સુરતઃ શહેરમાં ફરી એક વખત કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે. આ વખતે પાંડેસરા પોલીસ મથકમાં મારામારીના કેસમાં આવેલા યુવાનનું મોત થયું છે અસ્થમા પીડિત યુવાન વિમલ સહિત અન્ય આરોપીઓને મારામારીના કેસમાં પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી. રાત્રિ દરમિયાન વિમલની તબિયત લથડી હતી.
પરિવારના લોકોએ પોલીસને જણાવ્યું હતું કે, તે અસ્થમાથી પીડાય છે. જેથી તેને છોડી દેવામાં આવે અથવા તો સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે. જો કે, પોલીસે માનવતા રાખવાના બદલે વિમલ પાસે રૂપિયા 2 હજારની માંગણી કરી કરી હતી. વિમલે પૈસા ન આપતા પોલીસે તેને ઢોરમાર માર્યો હતો. જેમાં તેની વિમલની તબિયત વધુ લથડી હતી. વિમલની તબિયત ગંભીર થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, વિમલના ઘર નજીક રહેતા રાજેશ નામના વ્યક્તિ સાથે જૂની વાતને લઈ બોલાચાલી કરી ઝઘડો થયો હતો. પરિવારે આરોપ લગાવ્યો છે કે, કસ્ટડીમાં વિમલ પોતાની તબીયત લથડતા વારંવાર બૂમો પાડતો રહ્યો, પરંતુ પોલીસે ધ્યાન આપ્યું નહીં અને કસ્ટડીમાં જ વિમલનું મોત થયું હતું. આ કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવતા જ સિવિલ પોસ્ટ મોર્ટમ રૂમમાં વહેલી સવારથી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા.
સુરતના જોઈન્ટ કમિશનર ડી.એન. પટેલ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, કસ્ટોડિયલ ડેથની ઘટના હોવાના કારણે નેશનલ હ્યુમન કમિશનને જાણકારી આપી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટની સમક્ષ મૃતકનું પોસ્ટમોર્ટમ અને FSL કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં આ અગાઉ પણ કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વારંવાર પોલીસે કસ્ટડીમાં થનાર આરોપીઓના મોત જેવી ગંભીર ઘટનાઓ બની રહી છે. તેમ છતાં આવી ઘટનાઓ પર લગામ લગાવવામાં આવી રહી નથી. જેથી તંત્ર આવી બેદરાકારી પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.