રીક્ષા ચાલક અને તેની પત્ની પોતાના માસુમ 4 બાળકો સાથે સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે આવ્યા અને ઇ - મેમોના દંડ સામે રાહત આપવાની માગ કરી હતી. ઓટો રીક્ષા ચાલકની પત્નીના નામે હોવાથી ઇ- મેમો ફટકારવામાં આવ્યા હતા. જો કે મહત્વની વાત એ છે કે, ઓટો રીક્ષા ચાલકને 256 ઇ - મેમો અંગે કોઈ જાણકારી પોલીસ દ્વારા આપવામાં અવી ન હતી.
ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ગુજરાત પોલીસ દ્વારા ઇ - મેમોની શરૂવાત કરવામાં આવી છે. ઇ-ચલણ દ્વારા જે તે વાહન ચાલકોએ નિયમોનો ભંગ કર્યો હોય તો વાહનના રજીસ્ટ્રેશનના નંબરના આધારે ઇ - મેમો ચાલકના ઘરે સીધો પોસ્ટ મારફતે પહોંચી જતો હોય છે. જેની જાણ વાહન ચાલકને બાદમાં થાય છે.
પરંતુ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક ઓટો રીક્ષા ચાલકને ટ્રાફિકના ભંગ કરવા બદલ એક નહીં બે નહીં પરંતુ કુલ 256 જેટલા ઇ - મેમો ફટકારવામાં આવ્યા છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસમાં રહેતા મુશર્રફભાઈ શેખ છેલ્લા અગિયાર વર્ષથી ઓટો રીક્ષા ચલાવી પોતાના માસુમ બાળકોનું ગુજરાન ચલાવે છે.
દરરોજ ઓટો રીક્ષા ચલાવી માસુમ બાળકોના અભ્યાસનો ખર્ચ, ઘરનો ખર્ચ તેમજ દર મહિને આવાસના મકાનનો હપ્તો ભરે છે.જો કે પ્રતિદિવાસ ત્રણસોથી ચારસો રૂપિયાની કમાણી કરતા એક ઓટો રીક્ષા ચાલકે 76000 જેટલો દંડ ભરવો ખૂબ જ મુશ્કેલ બન્યું છે.સુરત પોલીસ દ્વારા ફટકારવામાં આવેલ ઇ - મેમોનો દંડ ભરવા તેમણે સુરત પોલીસ કમિશ્નર કચેરી બોલાવવામાં આવ્યા. જ્યાં ઇ - મેમો બતાવતા તેઓની આંખો પહોંળી થઈ ગઈ હતી.