સુરત: ગોપાલ ઇટાલીયાની મુશ્કેલીમાં વધારો નોંધાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચએ આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની ધરપકડ કરી હતી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પર કરેલ ટિપ્પણી મામલે ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે મામલે હાલ ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરાઈ હતી. હાલ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
હર્ષ સંઘવી પર કરી હતી ટિપ્પણી: 2 સપ્ટેમ્બર 2022ના રોજ વિવાદિત નિવેદનને લઈ પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગોપાલ ઇટાલીયાએ ડ્રગ્સ પકડવા મામલે ગૃહ પ્રધાન સંઘવીને ડ્રગ્સ સંઘવી કહીને સંબોધ્યા હતા. જેને લઈ સુરતના ઉમરા પોલીસ મથકમાં ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ભાજપના કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી: હર્ષ સંઘવી સામે વિવાદિત ટિપ્પણી મામલે ગોપાલ ઈટાલિયા સામે પોલીસ ફરિયાદ થઈ હતી અને તેના સાડા છ મહિના બાદ ગોપાલ ઇટાલીયાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ગોપાલ ઇટાલીયાની પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો: Dummy Candidate Scam: ડમીકાંડમાં SITની રચના, થશે મોટા ખુલાસા
વિપક્ષ તરીકે સવાલ ઉઠાવવા અમારી ફરજ: ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપની કોઈ વ્યક્તિએ ફરિયાદ આપી હતી. જામીનપાત્ર ગુનો છે. અમારું મનોબળ આવી ઘટનાથી તૂટવાનું નથી. જે સોશિયલ મીડિયામાં ઈન્ટરનેટ ઉપર છે એ હું બોલ્યો છું. વિપક્ષ તરીકે સવાલ ઉઠાવવામાં અમારી ફરજ છે. જે અમે ઉઠાવતા રહીશું. ભાજપ જ્યારે જ્યારે ઇચ્છા થાય ત્યારે એફઆઈઆર કરે છે. ભાજપવાળા અનેક વખત કેજરીવાલ વિશે બોલ્યા છે. અમારું કોઉ સાંભળવા વાળું નથી.
આ પણ વાંચો: CBI summons to Kejriwal: CBIએ CM અરવિંદ કેજરીવાલની સાડા 9 કલાક સુધી પૂછપરછ કરી
ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા: ગોપાલ ઇટાલીયાની ધરપકડ મામલે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટ ભાજપના ઈશારાથી કાર્યકર્તાઓ દ્વારા ખોટા કેસ કરાવીને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહપ્રભારી ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડ CBI દ્વારા કરવામાં આવી છે. આ ભાજપની તાનાશાહી છે.
અદાણી પોર્ટ પર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય: વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાના નિવેદનમાં ગોપાલ ઇટાલીયાએ ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહીને સંબોધ્યા હતા. જેને લઇ તેમની ઉપર ફરિયાદ પણ થઈ હતી અને ફરિયાદ દાખલ થયા બાદ તેઓએ કહ્યું હતું કે ગૃહ પ્રધાનને ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે. મારા ઉપર એફઆઇઆર કરવાથી અદાણી પોર્ટ પર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય. મેં ક્યારે મારા જીવનમાં નશો કર્યો નથી કે નશો વેચ્યો પણ નથી.