સુરત : શહેરના વેસ્તાન વિસ્તારમાં રહેતા અને મૂળ ઓરિસાના રહેવાસી 23 વર્ષીય સાગર બહેરા લુમ્સ કારખાનામાં કામ કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. રાત્રી દરમિયાન સાગર પોતાના મિત્ર સાથે કારખાનાથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેની સામે મોપેડ પર ત્રણ લોકો આવી પહોંચ્યા હતા અને સાગર નો મોબાઇલ ઝુટવાનો પ્રયાસ પણ કર્યો હતો. મોબાઈલ સ્નેચરો તેને માર પણ માર્યો હતો જેથી આ લોકોથી બચવા માટે સાગર પોતાના મિત્ર સાથે ભાગ્યો હતો.
સાગર નોકરી પરથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન ત્રણ લોકો તેની પાસે આવ્યા અને મોબાઈલ સ્નેચિંગ નો પ્રયાસ કર્યો હતો. જેથી તે પોતાના મિત્ર સાથે નાસી ગયો હતો. ભાગતી વખતે તે બીઆરટીએસ ક્રોસ કરવા જઈ રહ્યો હતો અને ત્યાં અચાનક જ બીઆરટીએસ બસ આવી જતા તેનું મોત નીપજ્યું હતું. છેલ્લા સાત વર્ષથી તે સુરતમાં નોકરી કરી રહ્યો છે. સાગરના બે ભાઈ અને એક બહેન છે. અમે માંગ કરીએ છીએ કે તેના પરિવારને વળતર આપવામાં આવે. જ્યારે તેની પાસેથી મોબાઇલ સ્નેચિંગ કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેના કપડા પણ ફાટી ગયા હતા અને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. - સાગરના પરિવારના સભ્ય કૈલાશ
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ : બંને સિદ્ધાર્થ નગર પાસેથી બીઆરટીએસ રૂટ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બસ સામે આવી જતા સાગર બસની અડફેટે આવ્યો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણકારી ભેસ્તાન પોલીસને આપવામાં આવી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.