સુરત : શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કુબેર પાર્ક સોસાયટીને અડીને ખાડી આવેલી છે. સ્થાનિક લોકો દ્વારા આ ખાડી પૂરવા માટે સુરત મહાનગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ ખાડી પૂરવામાં આવી ન હતી. જેને કારણે એક માસૂમ બાળક આજે ગુમ છે. ખાડીને અડીને આવેલી બિલ્ડીંગના પહેલા માળે એક ચાર વર્ષનો બાળક પોતાની ગેલેરીમાં રમી રહ્યો હતો. તે દરમિયાન એકાએક જ બાળકનો પગ લપસી જતાં તે પહેલાં માળેથી સીધો ખાડીમાં પડ્યો હતો. બાળક ખાડીમાં પડયો હોવાની જાણ થતા જ સ્થાનિક લોકો તેમજ પરિવારજનો દોડતા થયા હતા.
શરૂઆતના સમયે સ્થાનિક લોકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં તેનો ક્યાંય પણ પત્તો ન લાગતા આખરે ફાયર વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. હાલ સ્થાનિક લોકો તેમજ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
જોકે કલાકોની જહેમદ બાદ પણ બાળકનો કોઈ પત્તો ન લાગતા પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું છે.