સુરતના અડાજણ સ્થિત ગૌરવ પંથ નજીક આવેલા બાંધકામની સાઈટ પાસેથી બે દિવસ અગાઉ એક અજાણી મહિલાની મૃતદેહ મળી આવ્યો હતો. અડાજણ પોલીસે મૃતક મહિલાની મૃતદેહને PM અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાની હકીકત બહાર આવતા પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો. જ્યાં મહિલાનું નામ માયાબેન હોવાની હકીકત જાણવા મળતાં પોલીસે આસપાસ બંધાતી નવી બિલ્ડીંગ ખાતે રહેતા શ્રમિકોની પૂછપરછ હાથ ધરી હતી.
તે દરમિયાન મહિલાનો પતિ રામગોપાલે હત્યાના બનાવ બાદ ફરાર હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી ફરાર પતિ સામે પોલીસની શંકા વધુ પ્રબળ બની હતી. પોલીસની અલગ અલગ ટિમ મૃતક મહિલાના પતિને ઝડપી પાડવા કામે લાગી હતી. જ્યાં ટૂંક જ સમયમાં અડાજણ પોલીસે મહિલાના પતિ રામગોપાલેને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં રામગોપાલે જણાવ્યું કે, તેણી પત્ની મોડી રાત્રી દરમિયાન ઘટના સ્થળે આવેલ શૌચના બાથરૂમ પાસે પોતાના પ્રેમી મનિરુલ હક્કને મળવા જતી હતી. જે શંકાના આધારે પત્નીનું કોઈ સાધન વડે ગળું દબાવી હત્યા કરી દીધી હતી. મહિલાની હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાની હકીકત બહાર આવતા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વનું છે કે, પત્નીના અન્ય યુવક સાથેના આડા સબંધમાં પતિએ જ હત્યાને અંજામ આપ્યો હતો. નવી બંધાતી બાંધકામની સાઈટ પર બંને પતિ-પત્ની કામ કરતા હતા. જો કે તે દરમિયાન પત્નીના અન્ય યુવક સાથેના આડા સબંધના વહેમમાં પતિએ ગળે ફાંસો દઈ હત્યા કરી દીધી હતી.