- બૂટ-ચપ્પલના ગોડાઉનમાં લાગી આગ
- આગ લાગતા ફાયરની ટીમ આવી મદદે
- નજીકમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડાયા
બારડોલી: ગાંધી રોડ પર આવેલી દેસાઈ વિલાની પાછળ દેસાઈ નગરમાં રહેતા વસીમભાઇ મેમણનું ઘરના ભોંય તળિયામાં બૂટ-ચપ્પલનું ગોડાઉન આવેલું છે. જેમાં અચાનક આગ લાગી હતી. આગની ઘટના બની તેની બાજુમાં 11 માળની બહુમાળી બિલ્ડીંગ આવેલી છે. જેમાં 20 જેટલા પરિવારોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા
ગોડાઉનમાં બૂટ-ચપ્પલ બોક્સમાં ભરેલા હોવાથી આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોડાઉનમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા બાજુની બિલ્ડિંગમાં પણ જવા લગતા સ્થાનિક લોકોએ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને નજીકમાં આવેલી મસ્જિદમાં આશરો આપ્યો હતો.
બારડોલી ઉપરાંત અન્ય જગ્યાએથી પણ ફાયરની ટીમની મદદ લેવાઇ
આગ એટલી ભીષણ હતી કે, બારડોલી ઉપરાંત કડોદરા PEPL, કામરેજ અને માંડવી ફાયર બ્રિગેડનો પણ સહારો લેવો પડ્યો હતો. તમામ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ બારડોલીના ધારાસભ્ય અને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમાર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
ફાયરની ગાડીને ધક્કા મારી ખસેડવી પડી
બારડોલી ફાયર બ્રિગેડનો ઘોડો દશેરાના દિવસે જ દોડતો નથી. ટાંચા સાધનો સાથે કામ કરતી બારડોલી ફાયરની ટીમે આટલી મોટી ઘટના છતાં નાનકડા ફાયર ટેન્ડરથી આગ બુઝાવવાની કામગીરી કર્યા બાદ તે આગળ જઈ શક્યું ન હતું અને છેવટે તેને ધક્કો મારીને ખસેડવાનો વારો આવ્યો હતો. બારડોલી નગરપાલીકાના ફાયર વિભાગના સાધનોની કાળજીના અભાવે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે.