સુરત: શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા 898 પર પહોંચી છે. સુરત જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 57 થઇ છે. જેથી સુરતમાં અત્યારસુધી કોરોનાના કુલ 955 કેસો નોંધાયા છે. 22 વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 529 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ 38 દર્દીના મૃત્યુ નોંધાયા છે. 58.8 ટકા રિકવરી રેટ થયો છે. જે એક ખૂબ જ સારો રેટ છે તેની પાછળનું કારણ ARI કેસોની અર્લી આઇડેન્ટીફિકેશન કરવામાં આવે છે. 4.2 ટકા રેટ મૃત્યુ દર છે.
પોઝિટિવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોન અને વરાછા માથી કુલ 6-6 કેસો મળી આવ્યા છે અને કુલ 346 કેસો થયા છે. આ સિવાય લિંબાયતમાં સાડા ચાર લાખ કરતા વધુ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. મ્યુ. કમિશનર બંછા નિધી પાનીએ જણાવ્યું હતું કે, 1710 લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 454 લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં 81 લોકો છે. લિંબાયતમાં 05 લાખ કરતા વધુ લોકોને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયના સુચન પ્રમાણે દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરેક દવાની દુકાનમાં આયુષ મંત્રાલય દ્વારા સુચન કરેલી હોમિયોપેથી દવાઓ રાખવાની રહેશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. કારણ કે, ત્યાંથી સૌથી વધુ કેસો સામે આવ્યા છે. સ્લમ એરિયામાં 42 ફિવર ક્લિનિક ચાલુ કરવામાં આવ્યા છે તથા સ્લમ એરિયામાં 277 વોશ બેસિનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના જાગૃત્તિ માટે 54 પ્રચાર ગાડી મૂકવામાં આવી છે. સંવેદના પ્રોજેક્ટ હેઠળ ખાનગી અને મ્યુન્સિપલ દ્વારા 4,54,050 ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
જ્યારે પણ કોઈ વ્યક્તિ બહાર ખરીદી કરવા જાય ત્યારે અને ઘરે આવે ત્યારે હાથ વ્યવસ્થિત ધોવા અને શક્ય હોય તો સામાનને પણ સેનેટાઈઝ કરવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ બહાર જાય તો તેણે આ વસ્તુઓનું ધ્યાન રાખવુ જોઈએ. ઈન્ફેક્શન કેવી રીતે રોકવી, દુકાન દારે કેવી રીતે કાળજી રાખવી તેના પ્રચાર પ્રસાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં દરેક લોકોએ ભાગ લેવો જોઈએ.
સુરત જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 57 હતી, જેમાં નવો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમજ મંગળવારે 01 દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ 01 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. કુલ 5915 ટેસ્ટીંગ કરવામાં આવતાં 57 પોઝિટીવ અને 5814 નેગેટીવ કેસો જયારે 01 કેસનો રિપોર્ટ પેન્ડિંગ અને 43 રિપીટ સેમ્પલ નોંધાયા છે.