સુરત : દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લાખોની સંખ્યામાં ઉત્તર ભારતમાંથી આવેલા લોકો રહે છે. દિવાળી અને છઠ્ઠ પૂજા માટે પોતાના વતન જવા માટે હજારોની સંખ્યામાં પરપ્રાંતિય લોકો સુરત અથવા ઉધના રેલવે સ્ટેશન પહોંચે છે. તેથી તહેવારોની સિઝનમાં સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સૌથી વધુ ભીડ જોવા મળે છે.
ભારતીય રેલવેને 9 કરોડની આવક : દિવાળીના તહેવાર અને મુખ્યત્વે છઠ્ઠ પૂજાની પીક સીઝનમાં માત્ર સુરત સ્ટેશનથી 11 દિવસમાં 4.72 લાખ મુસાફરોએ ટિકિટ ખરીદીને અનઆરક્ષિત ડબ્બામાં મુસાફરી કરી છે. જેનાથી ભારતીય રેલવેને રુ. 7 કરોડથી વધુની કમાણી કરી થઈ છે. ઉપરાંત ઉધના સ્ટેશન પર આ સીઝન દરમિયાન 94 હજાર મુસાફરોએ જનરલ ટિકિટ ખરીદી હતી. જેનાથી ભારતીય રેલવેને લગભગ રૂ. 1.99 કરોડ આવક થઈ છે. આમ સુરત અને ઉધનાથી વિશેષ ટ્રેનના સંચાલન પહેલા આવકમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન : આ વર્ષે દિવાળીની ભીડ 6 નવેમ્બરથી સ્ટેશનો પર દેખાવા લાગી હતી. પશ્ચિમ રેલવેએ આ વર્ષે વિવિધ સ્થળોએ 139 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવી હતી, જે ગયા વર્ષની ટ્રેન કરતાં 100 ટકા વધુ હતી. પશ્ચિમ રેલવેની નિયમિત ટ્રેન સિવાય આ ટ્રેનોમાં લગભગ 7 થી 8 લાખ વધારાના મુસાફરો મુસાફરી કરે છે. તેમાંથી 59 ટ્રેન ગુજરાતમાંથી પસાર થઈ હતી. જેમાં સુરત અને ઉધનાથી ચાલતી 23 ટ્રેનનો સમાવેશ થાય છે. તેવી જ રીતે રૂટ પર આવતી 31 ટ્રેનને સુરત અને ઉધના ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
દુઃખદ બનાવથી તંત્ર જાગ્યું : દિવાળીના એક દિવસ પહેલા 11 નવેમ્બરે સુરત-ભાગલપુર એક્સપ્રેસમાં ગૂંગળામણને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને પાંચ મુસાફરો બીમાર પડ્યા હતા. આ પછી પશ્ચિમ રેલવે મુખ્યાલયના વરિષ્ઠ અધિકારીઓ સુરત અને ઉધના સ્ટેશન પર વધારાની વિશેષ ટ્રેનને સંચાલન રાખી હતી. રિયલ ટાઇમના ધોરણે ટ્રેનોની વેઇટિંગ લિસ્ટની દૈનિક દેખરેખ સાથે ભીડ ઘટાડવા માટે ઉધનાથી 13 અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી હતી.
વતન જતા લોકોનો ધસારો : સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, દિવાળીના ત્રણ દિવસ પહેલા દરરોજ 40 હજાર મુસાફરો કરંટ ટિકિટ ખરીદીને મુસાફરી કરતા હતા. જ્યારે છઠ પૂજા માટે પ્રસ્થાન કરનારા મુસાફરોની સંખ્યા દરરોજ વધીને 53 હજાર થઈ ગઈ છે. 6 થી 16 નવેમ્બર સુધીમાં સુરત સ્ટેશન પરથી 4,72,885 મુસાફરોએ અનરિઝર્વ્ડ ટિકિટ પર મુસાફરી કરી હતી. બીજી તરફ ઉધનાથી 94,445 મુસાફરોની અવરજવર પર 9 કરોડ 4 લાખ 29 હજાર 689 રૂપિયા આવક થઈ હતી.
મુસાફરોની સુરક્ષા અને સવલત : ઉલ્લેખનીય છે કે, સુરતમાં જીવલેણ અકસ્માત બાદ મુસાફરો કતારમાં વ્યવસ્થિત અને સુરક્ષિત યાત્રા કરી શકે આ માટે જાહેરાતો કરવામાં આવી હતી. મુસાફરોની અવરજવરમાં સરળતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. ભીડને ટાળવા માટે મુસાફરો કોચમાં પ્રવેશવા માટે કતારમાં ઉભા હતા. ટ્રેનના કોચમાં મુસાફરોને સમાવવા અને જગ્યા બનાવવા માટે જાણ કરવામાં આવી હતી. જેથી બહાર રાહ જોઈ રહેલા મુસાફરોને પણ સમાવી શકાય. જે મુસાફરો ટ્રેનમાં ચડી શક્યા ન હતા તેઓને વધુ વિશેષ ટ્રેનો વિશે જાણ કરવામાં આવી હતી.