8 વર્ષના બાળકની જીદ: ટ્રક ચાલક પિતાએ મુંબઈ લઈ જવાની ના કહેતા સાયકલ પર એકલો જ નીકળી ગયો - બારડોલી
બારડોલીના અલ્લુ ગામનો 8 વર્ષનો બાળક ગુમ થયા બાદ પલસાણા ચાર રસ્તાથી મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં પિતાએ મુંબઈ લઈ જવાની ના કહેતા તે સાયકલ લઈને એકલો જ નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું. 30 કિમી સાયકલ ચલાવ્યા બાદ થાકી જતાં પલસાણા ચાર રસ્તા ખાતે સુઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી બાળકને શોધી કાઢ્યો હતો.
- 8 વર્ષનો બાળક એકલો મુંબઈ જવા નીકળ્યો
- સાઈકલ લઈનને 30 કિમી દૂર પહોંચી ગયો
- બાળક નહીં મળતા તેની માતાએ પોલીસને કરી હતી જાણ
બારડોલી: બારડોલીના અલ્લુ ગામથી આઠ વર્ષનો બાળક સાયકલ લઈને મુંબઈ જવા નીકળી ગયો હતો. ત્રીસ કિમી સુધી સાયકલ ચલાવી થાકી જતાં પલસાણા ચાર રસ્તા પાસે સાયકલ સાઇડમાં મૂકી સૂઈ ગયો હતો. પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી અને બાળકને પલસાણાથી શોધી કાઢ્યો હતો બાદમાં તેનો કબ્જો પરિવારજનોને સોંપ્યો હતો.
માતાની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાનાં અલ્લુ ગામે રહેતી રાજકુમારી સંજય યાદવે મંગળવારે સાંજે બારડોલી પોલીસ મથકમાં રજૂઆત કરી હતી કે સવારના સાત વાગ્યાથી તેનો પુત્ર સૂર્યપ્રકાશ (ઉ.વર્ષ 8) ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગયો છે. આ રજૂઆત બાદ ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર પી.જે.પંડ્યા અને તેમની ટીમ અલ્લુ ગામે પહોંચી હતી અને તાત્કાલિક સ્થળ તપાસ શરૂ કરી હતી.
26 જેટલા સ્થાનો પર સીસીટીવી ચેક કરતા લાગ્યો બાળકનો પત્તો
અલ્લુ ગામે સીસીટીવી કેમેરા ચેક કરતાં સૂર્યપ્રકાશ સવારે સાત વાગ્યે પોતના ઘર નજીકની હોટલ પર પડેલી એક લોક વગરની સાયકલ લઈને નીકળી બારડોલી તરફ જતો દેખાયો હતો. આથી પોલીસે સુરત ધુલિયા નેશનલ હાઇવે નંબર 53 પર અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં બારડોલી લેઉવા પાટીદાર વાડી, અહેસાન પાર્ક, કસ્તુરી હોટેલ, ઉમા ટાયર પંચર, સાત્વિક બેકરી, સેકન્ડ ઈનિંગ્સ બિલ્ડીંગ તથા અન્ય વીસેક જેટલા લોકેશન પર કેમેરા ચેક કર્યા હતા. જેમાં બાળક સાયકલ પર પલસાણા તરફ જતો હોય તેવું દેખાયું હતું. આથી પોલીસે પલસાણા ચાર રસ્તા પરના કેમેરા ચેક કરતાં બાળક ચાર રસ્તા સુધી પહોંચ્યો હોવાનું નક્કી થયું હતું.
સ્ટ્રીટ લાઈટ નીચે સાયકલ મૂકી સૂઈ ગયો હતો
પોલીસને તપાસ દરમિયાન બાળક એક સ્ટ્રીટ લાઇટ નીચે સાયકલ મૂકી સૂતેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને ઉઠાડી નામ પૂછતાં તેનું નામ સૂર્યપ્રકાશ હોવાનું જણાવ્યુ હતું અને પિતાએ તેને મુંબઈ લઇ જવાની ના કહેતા સાયકલ લઈને એકલો નીકળી ગયો હતો.
વધુ પૂછપરછમાં તેણે જણાવ્યુ હતું કે, તેના પિતા ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેણે પિતા સાથે મુંબઈ જવાની જીદ કરી હતી. પરંતુ પિતાએ ના કહેતા તે એકલો મુંબઈ જવા નક્કી કરતાં તે કોઈને પણ કહ્યા વગર અલ્લુથી 30 કિમી પલસાણા સુધીનું અંતર કાપ્યું હતું. પરંતુ થાકી જતાં તે પલસાણા આવીને સૂઈ ગયો હતો. બાળક હેમખેમ પાછો મળી આવતા માત-પિતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.