ધાર્મિક આસ્થાના નામે ધતિંગ કરનારા આવા તત્વોને લીધે લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. વીડિયોમાં દારૂના નશામાં છાકટા બનેલ આયોજકોએ આસ્થાના કેંન્દ્ર બહાર જ વિકૃત હરકત કરતા લોકોમાં પણ રોષ વ્યાપી ગયો છે. જ્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. દારૂબંધીને લઈ રાજ્ય સરકારે કડક કાયદા તો બનાવ્યા છે, પરંતુ જેની અમલવારી કરાવવાની જવાબદારી પોલીસના માથે છે તે નિષ્ફળ સાબિત થઈ રહી છે.
આ વીડિયો સુરતના ગોલવાડ વિસ્તારનો હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. જે બાદ મોડે મોડે જાગેલી પોલીસે કાર્યવાહીનો દોર શરૂ કર્યો અને 8 લોકોની અટકાયત કરી છે. ધાર્મિકતાના સ્થળ પર જ બિન્દાસ્તપણે દારૂના નશામાં ચૂર વિકૃત અયોજકોની આ હરકતને લઈ પોલીસે IPC કલમ 143 અને 295 મુજબ ધાર્મિક લાગણી દુભાય તે મુજબનો ગુનો દાખલ કર્યો હતો.
વાયરલ વીડિયોમાં ગણેશ આયોજકોએ લોકોની ધાર્મિક લાગણી દુભાવવાની વિકૃત હરકત કરી હોવાથી ગણેશ ભક્તોમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, ગત્ રોજ શહેરમાં ગણેશજીની 60 હજાર જેટલી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. જે દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં પોલીસ વ્યસ્ત હતી, ત્યારે આ વીડિયો ઉતારવામાં આવ્યો છે, જે ખૂબ જ અંદરની ગલીમાં બન્યો છે. પોલીસ દ્વારા આ વિસ્તારમાં અવારનવાર રેડ કરવામાં આવે છે, પરંતુ સવાલ ઊઠે છે કે, ચોકીના થોડા જ અંતરમાં આ પ્રકારની ગેરપ્રવૃત્તિ શા માટે પોલીસને નજર ન આવી ?
આ સાથે જ ગણેશ પંડાલમાં થતી આવી ગેરપ્રવૃત્તિ સામે કાર્યવાહીની જવાબદારી ગણેશ ઉત્સવ સમિતીની પણ બને છે, પરંતુ સમિતિ પણ આવી પ્રવૃત્તિઓ સામે માથે હાથ દઈ આંખ આડા કાન કરતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની થતી મોટી વાતો ફક્ત કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તે વાતને આ વીડિયો પરથી નકારી શકાય નહીં.