સુરત: ઓલપાડ તાલુકાના લવાછા ગામે છેલ્લા 20 વર્ષથી અશ્વ દોડ સ્પર્ધાનું દર ડિસેમ્બર મહિનામાં આયોજન કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિયેશન દ્વારા આ આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે આજના દિવસે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તેમજ કચ્છથી આવેલા 60 જેટલા અશ્વોએ આજની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિયેશન દ્વારા છેલ્લા ચાર દિવસથી તૈયારી કરી હતી તેમજ બહારના રાજ્યથી આવેલા અશ્વ માલિકો માટે રહેવા જમવાની તમામ સગવડ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત વિજેતા અશ્વ માલિકને પ્રોત્સાહન રૂપે ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
છેલ્લા 20 વર્ષથી યોજાતી આ સ્પર્ધામાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ તેમજ કચ્છના 60 જેટલા અશ્વોએ દોડમાં ભાગ લીધો હતો. છેલ્લા ચાર દિવસથી અશ્વો પોતાના જોકી સાથે અહીં આવી પહોંચ્યા હતા અને સ્પર્ધા જીતવા માટે તનતોડ મહેનત કરી હતી અને પોતાની જીતનો દાવો પણ કર્યો હતો. અશ્વ દોડની આ સ્પર્ધામાં ત્રણ પ્રકારની દોડ રાખવામાં આવે છે. જેમાં નાની રાવલ, માધ્યમ રાવલ અને મોટી રાવલ એમ ત્રણ પ્રકારની દોડ હોય છે. આખી દોડનું એક્સપર્ટ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. વીડિયોગ્રાફી કરવામાં આવે છે અને ત્યાર બાદ વિજેતા બાબતે નિર્ણય લેવામાં આવે છે.
દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિયેશન દ્વારા યોજાતી આ સ્પર્ધા માત્ર મનોરંજન માટે યોજવામાં આવતી સ્પર્ધા છે. આયોજકો દ્વારા આ સ્પર્ધાને પ્રોત્સાહન મળે તેમજ અશ્વ પ્રેમી આ સ્પર્ધામાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લે એ માટે પ્રોત્સાહન રૂપે ઇનામ અને ટ્રોફીનું વિતરણ પણ કરવામાં આવે છે. આજની આ દોડમાં મુખ્ય સ્પર્ધા એવી મોટી રવાલ દોડમાં રાજકોટના અશ્વ વિજેતા થયો હતો અને પ્રોત્સાહન રૂપે અશ્વ માલિકને 31 હજારનું રોકડ ઇનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.