- પીવાના પાણીની લાઈનમાં ગટર થઈ મિક્સ
- તંત્રના પાપે 6 જેટલા લોકોએ ગુમાવ્યો જીવ
- DySP કક્ષાના પોલીસ અધિકારીને તપાસ સોંપાઈ
સુરત : કામરેજ તાલુકાના કઠોર ખાતે આવેલા વિવેક નગરમાં પીવાના પાણીની લાઈનમાં ગટરિયા પાણી મિક્સ થઈ જતા સ્થાનિક લોકોને ઝાડા ઉલટી થયા હતા અને લોકોને નજીકના સરકારી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. આ ઘટનામાં તબક્કાવાર 6 લોકોના મોત નિપજતા આરોગ્ય વિભાગ અને સુરત મહાનગર પાલિકા દોડતું થઈ ગયું હતું અને કઠોર ખાતે વિવેક નગરમાં પાણીના સેમ્પલ લેવા સહિતની કામગીરી હાથ ધરી હતી. બીજા દિવસે ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા હતા. જ્યારબાદ સરકાર તરફે આ અંગે ફરિયાદ નોંધીને DySP કક્ષાના પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.
કઠોરનો સુરત શહેરમાં સમાવેશ પણ પોલીસ સ્ટેશન ગ્રામ્યનું જ
કઠોરનો વહીવટી રીતે સુરત શહેરમાં સમાવેશ થયો છે. પરંતુ હજી પોલીસ સ્ટેશનની હદ સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં જ ગણાય છે. આથી ઘટનાની જાણ થતાં જ સુરત રેન્જ આઈ.જી. એસ.પી.રાજકુમાર પાંડિયન, જિલ્લા પોલીસ વડા ઉષા રાડા, સુરત વિભાગીય પોલીસ વડા સી.એમ.જાડેજાએ સ્થળ વિઝીટ કરી હતી અને પાણીની પાઇપલાઇન દૂષિત થતા 6 વ્યક્તિના મોત તેમજ 77 વ્યક્તિ સારવાર હેઠળ હોય આ બાબતે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે સરકાર તરફી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ DySP ને સોંપી છે.