સુરત: ‘નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે’, ઉક્ત પંકિતના સર્જક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આઝાદી પહેલા ઉચ્ચારેલી પંક્તિઓ અનુસાર માઁ-ભોમ પર જયારે જયારે આફત આવી છે, ત્યારે નરબંકાઓએ દેશ માટે જાત ખપાવી દીધી છે. આજે જ્યારે માઁ-ભોમ પર કોરોનારૂપી આફતના વાદળો ઘેરાયા છે, તેવા સમયે સુરતના કોરોના યોદ્ધાઓ સમા રત્ન કલાકારો કોરોનામુક્ત થઈને પોતાના પ્લાઝમાનું દાન આપીને આફત સામે અડીખમ ઉભા રહ્યા છે.
ગોપીનાથ જેમ્સના માલિક નાગજીભાઈ વિઠ્ઠલભાઈ ઠુમ્મરે જણાવ્યું કે, કોવિડ-19ની મહામારીમાં લોકડાઉન બાદ સરકારની ગાઈડલાઈન અનુસાર ડાયમંડ પ્રોડક્શન નિયમોનુસાર શરૂ કરવામાં આવ્યું. જેમાં વર્તમાનપત્રોમાં રોજબરોજ પ્લાઝમાના સમાચારો વાંચીને અમારી કંપનીના રત્નકલાકારોએ સાથે મળીને પ્લાઝમા દાન કરવાનો સંકલ્પ કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલનો સંપર્ક સાધીને કંપનીના 68 રત્નકલાકારોના એન્ટિ બોડી ટેસ્ટ કરાવ્યા. જેમાંથી 48 વ્યક્તિઓને કોરોનાના સિમ્પટમ્સ ડેવલપ થયા હોવાનું જણાયું હતું. સૌને પ્રેરણા આપતા આ તમામ રત્નકલાકારોએ પ્લાઝમા આપવાની તૈયારી દર્શાવી હતી. પ્લાઝમાના ધારાધોરણો અનુસાર 42 રત્નકલાકારોએ તબક્કાવાર પોતાના પ્લાઝમા દાન કરી હીરા સમાન હીર ઝળકાવ્યું છે.