ઓલપાડ: છેવાડાના મોર ગામે અરબી સમુદ્રમાં રોજની માફક રવિવારે પણ બપોરના બે વાગ્યા બાદ દરિયાની મોટી ભરતીના પાણીમાં એક વહેલ માછલીનું અંદાજે 20 ફૂટ કરતાં મોટું અને જીવતું બચ્ચું તણાઇ આવ્યું હતું. ભરતીના પાણીમાં મોર ગામના કિનારે આવી પહોચેલું બચ્ચું ભરતીના પાણી ઓસરતા સાથે દરિયામાં પરત થવાને બદલે ફ્સાતા તે દરિયા કિનારે રહી ગયું હતું. ત્યારે મોર ગામના દરિયામાં માછીમારી કરવા જતા યુવાનોએ સાંજે ઘરે પરત આવતી વખતે દરિયા કિનારા પર કાડુમાં વહેલ માછલીનું જીવતું બચ્ચું જોતાં આ બાબતે ગામના આગેવાનો અને યુવાનોને જાણ કરતાં ગ્રામજનોમાં કુતૂહલ સર્જાવા સાથે વહેલ માછલીના બચ્ચા ને જોવા ગ્રામજનોની ભીડ જામી હતી.
બચ્ચાનું રેસક્યું કરવામાં આવ્યું: પાણીના અભાવે જીવ બચાવવા વલખાં મારતું હોવાનું ગામના યુવાનોએ માછલીના બચ્ચા પર સતત પાણીનો છંટકાવ કરી જીવ બચાવી લેવાની પ્રાથમિક કામગીરી કરી હતી. જંગલ વિભાગ અને નેચર ક્લબ સુરતની મદદ લેવાઈ. મોદી સાંજે દરિયા કિનારે આવી પહોંચેલા વન વિભાગના અધિકારીઓ સાથે નેચર ક્લબના કાર્યકરોએ ભેગા મળી દરિયામાં બે કિલોમીટર અંદર જઈને એન કેન પ્રકારે બચ્ચાનું રેસક્યું કરવામાં આવ્યું હતું.
સફળ કામગીરી કરવામાં આવી: સોમવારની બપોરે 12 વાગ્યા બાદ ફરી દરિયામાં ભરતીના પાણી આવતા નેચર ક્લબના 15 તથા જંગલ વિભાગના 10 કર્મચારી અને ગામના 20 જેટલા યુવાનો મળી કુલ 45 જેટલા લોકોએ ભેગા મળી એક મોટી બોટની મદદે દોરડા થી માછલીના બચ્ચા ને બાંધી સાવચેતી પૂર્વક દરિયામાં લઈ જવાની સફળ કામગીરી કરવામાં આવી હતી.