સુરતમાં એક પછી એક વેસ્ટ કેમિકલ ઠાલવવાના કૌભાંડો બહાર આવી રહ્યા છે. આ કૌભાંડના કારણે સુરત શહેરની જનતા ના જીવ જોખમોમાં મુકાયા છે છતાં પણ સુરતમાં ગુજરાત પ્રદુષણ બોર્ડની બેદરકારી સામે આવી રહી છે. સુરતના પાંડેસરા પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાંડેસરા GIDC વિસ્તારમાં પાંડેસરા પોલીસ સ્ટેશન નજીક એક ખુલ્લું ગોડાઉન બનાવામાં આવ્યું છે. ટેન્કરો મારફતે સુરત અને ભરૂચ GIDC માંથી વેસ્ટ કેમિકલ જે એસિડયુક્ત હતું. તે ટેન્કરોમાં લાવીને ગોડાઉનમાં એવી સિસ્ટમ ગોઠવી હતી કે ટેન્કરો મારફતે વેસ્ટ કેમિકલ પાઇપ લાઈનથી ઠાલવી સુરત મહાનગરપાલિકાની ગટર લાઈનમાં ઠાલવામાં આવતું હતું જે શહેરીજનો માટે ખતરા રૂપ હતું. આખરે માહિતીના આધારે પાંડેસરા પોલીસે ગોડાઉનમાં રેડ કરી 5 ટેન્કરો કબજે કરી ગોડાઉનમાં પોલીસ ગોઠવી હતી. બાદમાં પોલીસે ગુજરાત પ્રદુષણ બોર્ડને પણ જાણ કરી હતી. પાંડેસરા પોલીસ આ કૌભાંડમાં ચાર લોકોની ધરપકડ કરી છે. જેમાં હિન્દ એસિડ કંપનીના માલિક નિતેશ ત્રિભુવન પટેલ ,હસમુખ પટેલ અને બે ડ્રાઇવર જગદીશ પાલ, પ્રેમચંદ્ર પાલનો સમાવેશ થાય છે.
પાંડેસરા પોલીસે વેસ્ટ કેમિકલને અલગ અલગ બોટલોમાં સેમ્પલો લઈ ગુજરાત પ્રદુષણ બોર્ડને જાણ કરતા પ્રદુષણ બોર્ડ પણ આવી પહોંચ્યું હતું અને કેમિકલના સેમ્પલો લઈ તપાસ માટે મોકલ્યા હતા ત્યાં જાણવા મળ્યું હતું કે આ એસિડયુક્ત કેમિકલ છે જે લોકોના જીવ માટે જોખમ રૂપ છે. બાદમાં પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે ગોડાઉનમાં મિતેશ પટેલ નામનો વ્યક્તિ આ કૌભાંડ આચરતો હતો. જ્યારે ગુજરાત પરૂષણ બોર્ડની બેદરકારી પણ સામે આવી છે. ત્યાં પાંડેસરા પોલીસે ગોડાઉન માલિક સહિત ચાર લોકોની ધરપકડ કરી છે અને અલગ અલગ મુદાઓ પર તપાસ શરૂ કરી છે.આ કેમિકલ ક્યાંથી લાવામાં આવતું હતું ? તેની પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે પોલીસને જાણવા મળ્યું છે કે એક ટેન્કરના ઠાલવવા પાછળ આરોપીઓને 70 હજાર રૂપિયા આપતા હતા. જો કૌભાંડમાં તપાસ કરવામાં આવે તો ખુબજ મોટું કૌભાંડ બહાર આવે તો નવાઈ નહિ પણ આટલી મોટી પ્રવૃત્તિ ગુજરાત પ્રદુષણ બોર્ડની જાણ બહાર ચાલતી હોય તે શક્ય નહિ હોય.