સુરત : દેશભરમાં કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે સરકાર હેમખેમ ખર્ચાઓ પર કાપ મૂકી રહી છે. જે માટે સરકાર દ્વારા સરકારી કચેરીઓને પરિપત્ર પાઠવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. તેમજ ખર્ચ પર હાલ પૂરતી બ્રેક મારવા જણાવાયુ છે.પરંતુ સુરતમાં તો જિલ્લા વિકાસ અધિકારીના બંગલા પાછળ 30 લાખથી વધુનો ધુમાડો કરી દેવામાં આવ્યો છે. જે આક્ષેપ જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય દર્શન નાયકે મુખ્યપ્રધાન, ગ્રામ વિકાસ કમિશનર સહિત સંબંધિત વિભાગમાં લેખિતમાં ફરયાદ કરી તપાસ કરવાની માંગણી કરી છે.
હાલમાં સમગ્ર દેશ વૈશ્વિક મહામારી કોરોના સામે ઝંઝુમી રહ્યું છે. સરકાર આ બિમારીમાંથી બહાર કેવી રીતે આવી શકાય તે માટેના પ્રયાસો કરી રહી છે. રાજય સરકાર દ્વારા પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી ખર્ચાઓ ઉપર કરકસર કરવાની સૂચનાઓ અધિકારીઓને આપી છે. તો બીજી તરફ સુરત જિલ્લા વિકાસ અધિકારીએ કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ સરકારી પૈસાના જોરે સુખસાહિબી ભોગવવા લાખોનો ધુમાડો કર્યો છે. પોતાની સત્તાના ઉપરવટ જઈ જિલ્લા વિકાસ અધિકારી અઢિયા સમિતિની ભલામણો અને સરકારના પરિપત્રને પણ ઘોળીને પી ગયા છે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં મંજુર કરવામાં આવેલ રકમ કરતા છ ગણી રકમનો ખર્ચો ઉપરથી મંજુર કરાવી લાવવાની અપેક્ષાએ કરતા સમગ્ર મામલો જિલ્લા પંચાયતમાં ચર્ચાનો વિષય બન્યો છે.સમગ્ર મામલે જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકે મુખ્યપ્રધાન, ગ્રામ વિકાસ કમિશનર સહિતના સંબંધિત વિભાગોમાં લેખિતમાં ફરિયાદ કરી તપાસ કરવાની માંગણી કરતા મામલો ભારે ગરમાયો છે.
આ અંગે ETVBharatને જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, આ મામલે જ્યારે સીએમઓ ઓફિસથી ખુલાસો માંગવામાં આવશે ત્યારે હું ચોક્કસથી તૈયાર રહીશ. મારા આવ્યા પહેલા બંગલાનું કામ ચાલુ હતું. જેથી હાલ પૂરતું આનાથી વિશેષ હું કાંઈ કહી ના શકું. જ્યારે અધિકારીના આ નિવેદન બાદ હવે સરકાર આ મામલે તપાસના આદેશ આપે છે કે, કેમ તે હવે જોવું રહ્યું.