સુરતઃ જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામના 5 યુવાનો દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા હતા. જેઓ વિકેન્ડના દિવસે અન્ય શહેરમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં બેઠેલા પાંચ યુવાનો પૈકી 3ના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે 2 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મળેતી માહિતી અનુસાર માંડવી તાલુકાના તડકેશ્વર ગામના નવી નગરીમાં રહેતા ઈમ્તિયાઝ હનીશભાઈ દેસાઈ (ઉ.વ.23) તથા બાવા નગરી ઢોલી ફળિયાના બે યુવાનો આશિફ અયુબ લિબાડા (ઉ.વ.22) તથા સફવાન અબ્દુલ કુવાડિયા (ઉ.વ.20 ) ઉપરાંત અન્ય બે યુવાનો છેલ્લા ઘણા સમયથી દક્ષિણ આફ્રિકાના લેન્સ ટાઉનમાં રહી નોકરી ધંધો કરતા હતા.
આ 5 યુવાનો વિકેન્ડમાં લેન્સ ટાઉનથી ડર્બન ટાઉનમાં ફરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ સામેથી આવતી કારનું ટાયર નીકળી જતા પૂરપાટ ઝડપે આવતી કાર યુવાનોની કાર સાથે અથડાઇ હતી. જેથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈમ્તિયાઝ દેસાઈ, આશિફ લીંબાડા તથા સફવાન અબ્દુલ કુંભાડીયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઉલ્લેખનિય છે કે, એક જ ગામના ત્રણ યુવાનોના વિદેશમાં મોત થતા ગામમાં માતમ છવાયો હતો.