- રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરનારા ઝડપાયા
- LCB પોલીસે બાતમીના આધારે તબીબ સહીત 3 શખ્સની ધરપકડ કરી
- 15થી 17 હજાર રૂપિયામાં વેંચતા હતા ઇન્જેક્શન
ભરૂચઃ જિલ્લામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે. સરકાર દ્વારા આ ઇન્જેક્શનનું નિયંત્રણ પોતાની પાસે લેવામાં આવ્યું છે અને જે તે હોસ્પિટલને જરૂરિયાત મુજબ ઇન્જેક્શન ફાળવવામાં આવે છે, પરંતુ તે પર્યાપ્ત સાબિત નથી થઇ રહ્યા. તેથી જ કેટલાક લાલચુ તત્વોએ તેની કાળા બજારી શરૂ કરી છે.
પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યા
ભરૂચ LCB પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક શખ્સ રેમડેસીવીર ઇન્જેક્શન વેચવા આવી રહ્યો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક કાર આવી હતી, જેમાં બે યુવાનો બેઠા હતા. ગાડી આવતા એક યુવાન ગાડી પાસે પહોચ્યો હતો અને વાતચીત કરી રહ્યો હતો, તે દરમિયાન પોલીસે પહોચી જઈ પૂછપરછ શરુ કરી હતી. જે ગાડીમાં બેઠેલા બે પૈકી એકનું નામ રાઘવેન્દ્ર ગૌર અને બીજાનું નામ રુશંક શાહ હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતાં 2 શખ્સોની ધરપકડ
નેત્રંગનો તબીબ બન્નેને ઇન્જેક્શન વેચવા આપતો હતો
બન્ને શખ્સો પૈકી રાઘવેન્દ્રને નેત્રંગના તબીબ ડૉ. સિદ્ધાર્થ મહીડા દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન વેચવા આપવામાં આવ્યાં હતા. જે અધધ કહી શકાય તેટલા 15થી 17 હજારમાં વેચતા હતા અને તેઓ સત્યમ નામના વ્યક્તિને આ ઇન્જેક્શન 17 હજારમાં વેચવા આવ્યાં હતા.
પોલીસે કુલ રૂપિયા 7.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
રાઘવેન્દ્ર રુશંકના ઘરે ફ્રીજમાં આ ઇન્જેક્શન મુકતો હતો, જ્યાં ચકાસણી કરતા 9 ઇન્જેક્શન મળી આવ્યાં હતા. પોલીસે 9 ઇન્જેક્શન, 1 લાખ 77 હજાર રોકડા તથા કાર મળી કુલ 7 લાખ 15 હજાર 596નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડૉ. સિદ્ધાર્થ મહીડા, રાઘવેન્દ્ર તથા રુશંક શાહની ધરપકડ કરી છે.