- બારડોલીમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમતા ત્રણ ઝડપાયા
- આરોપીઓ શામરિયામોરાની કિરાણા દુકાનમાં રમી રહ્યા હતા સટ્ટો
- પકડાયેલા ત્રણ આરોપીમાંથી એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો
- પોલીસે મોબાઈલ સહિત રૂ.24,800નો મુદ્દામાલ કબજે કર્યો
બારડોલીઃ પોલીસને બાતમી મળી હતી કે બારડોલીના શામરિયામોરા ખાતે આવેલી એક દુકાનમાં આઈપીએલની મેચ પર કેટલાક લોકો સટ્ટો રમી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાઈ રહેલી મેચ પર ત્રણ શખસ સટ્ટો રમી રહ્યા હતા. સુરત રેન્જની ઓપરેશન ગ્રુપની ટીમે ઘટનાસ્થળે દરોડા પાડી ત્રણ આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે આ સટ્ટો રમાડવા માટે આઈડી મોકલનાર એક શખસને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આરોપીઓ મમતા કિરાણા સ્ટોરના ઓટલા પર જાહેરમાં રમી રહ્યા હતા સટ્ટો
આ અંગેની મળતી માહિતી અનુસાર, સુરત રેન્જની ઓપરેશન ગ્રુપની ટીમ બારડોલીમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, બારડોલી નગરના શામરિયામોરા વિસ્તારમાં આવેલા મમતા કિરાણા સ્ટોરના ઓટલા ઉપર જયેશ અગ્રવાલ નામનો વ્યક્તિ જાહેરમાં આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે સટ્ટો રમાડી રહ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણે આરોપી લાઈવ મેચ પર સટ્ટો રમી રહ્યા હતા.
પોલીસે પકડેલા ત્રણ આરોપીમાંથી એક આરોપી વોન્ટેડ
ઓપરેશન ગ્રુપની ટીમે રેડ કરી ઘટનાસ્થળેથી જયેશ જગદિશભાઈ અગ્રવાલ (રહે, વિઠ્ઠલનગર, અસ્તાનજીન રોડ, તા. બારડોલી), કમલેશ રણછોડભાઈ પટેલ (રહે, કેસરકુંજ સોસાયટી, ગાંધીરોડ, બારડોલી) તથા ફારૂખ ગુલાબભાઈ કુરેશી (રહે, અમિતપાર્ક, બારડોલી)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે આયુષ ઉર્ફે લાલો (રહે, વાપી)ને વોન્ટેડ જાહેર કરી કુલ 24,840નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 24, 840નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે