- સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ
- જિલ્લા પ્રમુખે બેઠક યોજી ચૂંટણી જીતવા સમીકરણ બનાવ્યા
- આગામી 28 જાન્યુઆરીએ ડિસ્ટ્રિક્ટ બેન્કની ચૂંટણી યોજાશે
સુરતઃ સુમુલ ડેરી બાદ કો ઓપરેટિવ સેક્ટરની બીજી મોટી સંસ્થા ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની 18 બેઠક માટે 28 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં વર્તમાન ભાજપ શાસકોની પેનલના ઉમેદવારો જાહેર થતા જ ભાજપમાં ભડકો થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ડિરેક્ટર ધનસુખ પટેલે ચૂંટણીમાં ઝંપલાવતા મામલો ગરમાયો છે.
18 ઉમેદવારોના નામો જાહેર કરતા જ મામલો ગરમાયો
ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની ચૂંટણી જાહેર થતાં ભાજપના જ બંને જૂથોમાં સળવળાટ શરૂ થયો છે. ડિસ્ટ્રિક્ટ બેન્કના વર્તમાન ભાજપ શાસક પ્રમુખ નરેશ પટેલ અને ઉપપ્રમુખ સંદીપ દેસાઈએ પોતાની પેનલના 18 ઉમેદવારોના નામો જાહેર કરતા જ મામલો ગરમાયો છે. આમાં ઓલપાડ બેઠક ઉપરથી ધારાસભ્ય મુકેશ પટેલ, સ્વ. દિલીપભાઈ ભક્તની વાલોડ બેઠક ઉપર નરેશ પટેલ ઉભા રહેતા ખાલી પડેલી સુમુલ ડેરીની બેઠક ઉપરથી સુમુલ ડેરી પ્રમુખ પૂર્વ સાંસદ માનસિંહ પટેલ, કામરેજ, ઓલપાડ સહિતની પાંચ તાલુકાની મંડળીમાંથી પૂર્વ ધારાસભ્ય કિરિટ પટેલની જગ્યાએ કામરેજ શુગરના પ્રમુખ અશ્વિન પટેલ (દાઢી) અને પલસાણા બેઠક ઉપર સ્વ. કિરિટ દેસાઈની ખાલી બેઠક પર સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ એવા ચલથાણ શુગરના પ્રમુખ કેતન પટેલનો સમાવેશ કરાયો છે. માંડવી બેઠક પરથી સાંસદ એવા વર્તમાન ડિરેક્ટર પરભુ વસાવા છે.
વર્તમાન ડિરેક્ટર ઓલપાડના પૂર્વ ધારાસભ્ય ધનસુખ પટેલે ઉમેદવારીપત્ર ભર્યું
ભાજપની પેનલ જાહેર થતા જ અન્ય ભાજપ આગેવાનોએ ચૂંટણીમાં ઉતરવાની તૈયારી શરૂ કરી છે. વર્તમાન ડિરેક્ટર ઓલપાડના પૂર્વ ધારાસભ્ય ધનસુખ પટેલે ઉમેદવારીપત્ર ભર્યું છે. ભાજપમાં ભડકો થવાની શક્યતા વચ્ચે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ અને બેન્કના ઉપપ્રમુખ સંદિપ પટેલે પેનલના તમામ ઉમેદવારોની સુરત ખાતે બેઠક કરી તમામ બેઠકોનું મત અંગે વિશ્લેષણ કરી ચૂંટણી જીતવા માટેના સમીકરણોની ચર્ચા કરી છે. જોકે, ભાજપ સામે ભાજપ તેમ જ કોંગ્રેસના પણ બે ધારાસભ્ય સુનિલ ગામિત અને પૂનાજી ગામિત તાપી જિલ્લામાંથી ચૂંટણીમાં ઝંપલાવશે.