સુરતના વરાછા સ્થિત ભવાની સર્કલ નજીક આવેલી અરહમ જ્વેલસ કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી જાડી સાઈઝના ડાયમંડનું પોલીશ કામ કરતા 25 જેટલા રત્નકલાકારોને કંપની દ્વારા છૂટા કરવામાં આવ્યા છે. જે રજુઆત લઈ તમામ રત્નકલાકારો સુરત જિલ્લા કલેકટર કચેરી રજુઆત માટે પહોંચ્યા હતા. રત્નકલાકારોના આક્ષેપ છે કે, છેલ્લા ત્રણ મહિનાથી કંપની દ્વારા પંચાસ ટકા પણ કામ આપવામાં આવી રહ્યું નથી. એટલું જ નહીં છુટા કરાયેલા રત્નકલાકારોને જાડી સાઈઝના ડાયમંડનું પોલિશડ કામ આવડતું હોય, પરંતુ કંપની નાની સાઈઝના ડાયમંડનું પોલિશડનું કામ આપવાની વાત કરી રહી છે. જે હાલના તબક્કે તાત્કાલિક શક્ય નથી. જેને લઈ રત્નકલાકારોને શીખવા માટેનો કંપની સમય આપે અને તેની સાથે બે મહિનાનું મહેનતાણું ચૂકવે તેવી માંગ છે. જે કંપની દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું નથી.
જે બાદ તમામ 25 રત્નકલાકારોને છુટા કરી દેવામાં આવ્યા છે, ત્યારે ઘર ખર્ચ અને આગામી દિવસોમાં દિવાળી જેવા તહેવારોમાં પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન છે. આ તમામ બાબતોને લઈ રત્નકલાકારોને મોટી ચિંતા સતાવી રહી છે. સુરત જિલ્લા કલેકટર મધ્યસ્થિ કરી રત્નકલાકારોના હિતમાં નિવેડો લાવે તેવી માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચાઈના અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરની અસર હીરા ઉદ્યોગ પર પડી છે. જેની આંશિક અસર સુરતની કેટલીક ડાયમંડ કંપની પર જોવા મળી રહી છે. પરિણામે રત્નકલાકારોને છુટા કરાતા તેઓની રોજગારી સામે પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.