સુરતમાં 200 પરિવારના આશરે 600થી વધુ સભ્યો તાનાજી ફિલ્મ જોવા પહોંચ્યા હતા. જેમાં બાળકો, મહિલાઓ, પુરુષો અને વૃધ્ધો શામેલ છે. મરાઠાઓના ગર્વ એવા યોદ્ધા શિવાજી મહારાજના સૌથી વફાદાર સુબેદાર તાનાજી માલુસરેના જીવન પર બનેલી ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયારને લોકોનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં કૌંધાનાના કિલ્લાને જીતવાની લડાઈ અંગેની વાત છે.
મરાઠાઓ હસ્તકના આ કિલ્લાઓ મોગલો લઈ લે છે. જેમાં કૌંધાનાને તાનાજી જીતી લે છે અને પરંતુ પોતે શહીદ થઈ જાય છે ત્યારે, આજની યુવાન પેઢી તાનાજી જેવા વીર પુરુષો અંગે જાણે તે ઉદ્દેશથી સુરતમાં 200 જેટલા પરિવાર એક સાથે ફિલ્મ જોવા માટે ગયા હતાં. ઢોલ નગારા અને કેસરિયા ધ્વજ અને રાષ્ટ્રધ્વજ સાથે લોકોએ ભારત માતાકી જયના નારા પણ લગાવ્યા હતાં.
આ શોનું આયોજન કરનાર મનોજ કામલિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં યુવાનો અને બાળકો આઝાદ ભારતમાં રહ્યા છે. પરંતુ ભારત દેશની આઝાદીમાં અનેક યુવાનોનું લોહી વહયું હતું. જોકે તેમાંથી કેટલાકને જ આપણે જાણીએ છીએ અથવા તો તેમના વિશે સાંભળ્યું છે, પરંતુ અનેક એવા વીર સપૂતો છે જેમના વિશે આજની પેઢીને ક્યાંય કશું પણ સાંભળવા વાંચવા કે જોવા નથી મળ્યું. જેથી તાનાજી ફિલ્મ ખરા અર્થમાં આવા વીર સપૂતોને સલામ આપનારી છે અને આજના યુવાનો તેમનામાંથી દેશપ્રેમની પ્રેરણા લે તે પણ જરૂરી છે.