- વૈશ્વિક મહામારી દરમિયાન કોરોનાનું સંક્રમણ સતત વધ્યું
- BBAની 20 વર્ષીય વિદ્યાર્થિનીએ કોરોનાને મ્હાત આપી
- કૃપાને પ્લાઝમા સારવાર પણ આપવામાં આવી હતી
સુરત : દેશમાં વૈશ્વિક મહામારી દરમિયાન કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે. બીજી લહેરમાં યુવા પેઢી પણ કોરોનાથી સંક્રમિત થઈ રહી છે.
નવી સિવિલમાં 6 દિવસની સઘન સારવાર બાદ કોરોનાને મ્હાત આપી
નવી સિવિલ હોસ્પિટલના કોરોના યોદ્ધાઓ દિવસ-રાત મહેનત કરીને દર્દીઓને સ્વસ્થ કરીને ઘરે સુખરૂપ પહોંચાડી રહ્યા છે. અડાજણમાં રહેતી BBAની 20 વર્ષીય વિદ્યાર્થિની કૃપા અલ્પેશ ગજ્જર નવી સિવિલમાં 6 દિવસની સઘન સારવાર બાદ કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા છે. તેઓને પ્લાઝમા સારવાર પણ આપવામાં આવી હતી.
2 દિવસ સુધી ICUમાં વેન્ટીલેટર સપોર્ટ પર રખાઈ
કૃપા હાલ અડાજણની ચંદ્રકાંત સોસાયટીમાં રહે છે. તેમણે હોસ્પિટલમાં સારવાર લીધા પછી જણાવ્યું કે, 11 એપ્રિલે જ્યારે હું સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. ત્યારે મને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થતી હતી. ઓક્સિજન લેવલ 75 ટકા હતું. હોસ્પિટલ દ્વારા મારી શારીરિક સ્થિતિ મુજબ તરત જ મારી ટ્રીટમેન્ટ શરૂ કરાઇ હતી. મને 2 દિવસ સુધી ICUમાં વેન્ટીલેટર સપોર્ટ પર રખાઈ હતી. ત્યારબાદ સ્થિતિમાં સુધારો આવતા ઓક્સિજન પર રાખવામાં આવી હતી. 15-20 મિનીટના અંતરે ડોક્ટરો રૂટીન ચેકઅપ માટે આવતા અને મને સ્વસ્થ કરવા માટે અવનવું મોટીવેશન આપતા હતા.
આ પણ વાંચો : ભાવનગરમાં 102 વર્ષના વૃદ્ધાએ કોરોનાને આપી મ્હાત
ડૉક્ટરો અને સ્ટાફના ઉત્સાહભર્યા શબ્દોથી હિંમત વધી
કૃપાએ વધુમાં જણાવ્યું હતું કે, મારી સારવારમાં ડૉ. સંદિપએ નાની બહેનની જેમ ખૂબ ધ્યાન રાખ્યું હતું. ડૉક્ટરો અને સ્ટાફના ઉત્સાહભર્યા શબ્દોથી મારી હિંમત ખૂબ વધી હતી. ઉપરાંત હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ સમયસર દવા અને ભોજન પૂરું પાડતા હતા. તા.16મી એપ્રિલે મારુ સ્વાસ્થ્ય પૂર્વવત થઈ જતા રજા આપવામાં આવી હતી. કૃપાએ વધુમાં કહ્યું કે, ‘હું સિવિલ હોસ્પિટલની, મેડિકલ સ્ટાફની, ડોકટરોની આભારી છું કે, તેમણે મને આટલી ઉત્તમ સેવા સારવાર આપી છે.