- સુરત શહેરમાં એક વ્યક્તિને જીવતો સળગાવી દેવામાં આવ્યો
- આરોપીને સુરત પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
- આ ઘટનામાં વ્યક્તિ અડધો બળી ગયો હતો
સુરતઃ શહેરમાં નજીવી બાબતે 2 લોકોએ એક વ્યક્તિને જીવતો સળગાવી દીધો હતો. પાંડેસરા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલા રેસ્ટોરન્ટની બેન્ચ પર ઊંઘવા બાબતે થયેલા વિવાદમાં આ ઘટના બની હતી. જેમાં યુવક 50 ટકા જેટલો સળગી ગયો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે, ત્યારે બંને આરોપીને સુરત પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા ભીડ ભજન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના લુમ્સ કારખાનામાં નોકરી કરનારા પ્રમોદ મુસા વિશ્વાસ 2 શખ્સોએ જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવી દીધા હતા. પ્રમોદ 50 ટકા જેટલો સળગી ગયો છે. હાલ તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. જ્યારે પ્રમોદને સળગાવવામાં આવ્યો ત્યારે તેની અવાજ સાંભળી ત્યાં હાજર અન્ય કારખાનાના કારીગરો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણકારી આપી પ્રમોદને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતો.
રેસ્ટોરન્ટની બેન્ચ પર ઊંઘવા બાબતે વિવાદ
પ્રમોદ અનલોકમાં રોજગારી મેળવવા પરિવારને ઓડિશા મૂકી ફરી સુરત આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં ગરમીના કારણે તે પોતાના કારખાના નજીક આવેલા રેસ્ટોરન્ટના લોખંડની બેન્ચ પર જઈને સૂઈ જતો હતો. 30મી ઓક્ટોબરના રોજ રાતે પ્રમોદ ત્યાં જમવા ગયો હતો. ત્યારે કિશન અને દીપક નામના 2 ઈસમો આવી તેની સાથે વિવાદ કરવા લાગ્યા હતા અને જણાવ્યું હતું કે, તું શા માટે રોજે અહીં રેસ્ટોરન્ટની બેન્ચ પર ઊંઘવા આવે છે. જો ફરીથી આવશે તો તેને જીવતા સળગાવી દેવામાં આવશે.
સ્થાનિક અન્ય કારીગરોએ પ્રમોદનો જીવ બચાવ્યો
પ્રમોદને બીજા દિવસે ફરી ત્યાં જોઈ બંને વ્યક્તિ તેની પર ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવી દીધા હતા. સ્થાનિક અન્ય કારીગરોએ પ્રમોદનો જીવ બચાવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરતા આરોપી દીપક અને કિશનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.