સુરત: માંગરોળ તાલુકામાં લંપી વાયરસે કહેર મચાવ્યો છે. ગ્રામજનો છેલ્લા એક મહિનાથી લંપી વાયરસને કાબુમાં લેવા મથામણ કરી રહ્યા છે. પશુપાલન વિભાગને જાણ કરવા છતાં પોતાની ઓફિસમાંથી મોડે મોડે જાગેલી પશુ પાલન અધિકારીની ટીમ 15 પશુના મોત બાદ સ્થળ પર પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી રહ્યું છે. વેરાકોઈ ગામના લોકો મુખ્યત્વે પશુ પાલનના ધંધા સાથે સંકળાયેલા લોકો છે. દુધાળા, ગાભણ, બળદ તેમજ વાછરડાઓના પણ મોત નીપજતાં પશુ પાલકોની હાલત કફોડી બની છે.
દોઢ લાખ જેટલા પશુઓમાં વાયરસના લક્ષણ: તાલુકામાં લંપી વાયરસને લઈને સુમુલ ડેરીના વેટનરી વિભાગ દ્વારા પશુઓને વેક્સિનેશન તેમજ દવા વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. પશુ પાલકોને લંપી વાયરસ કાબુમાં લેવા માટે તેમજ અટકાવવા કેવા કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તે અંગે સમજણ આપી રહ્યા છે. સુમૂલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત એવા વિસ્તારની મુલાકાત કરી હતી. જેમાં દોઢ લાખ જેટલા પશુઓમાં વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. જેને પગલે સુમુલ ડેરીના વેટનરી વિભાગ દ્વારા વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
લમ્પી વાયરસને લઈને છેલ્લા લાંબા સમયથી અમારી ટીમ કામ કરી રહી છે. સતત વિઝિટ કરવામાં આવી રહી છે.જ્યાં જરૂર પડે તે ડોકટરોની ટીમ લાવી રહ્યા છીએ. - અજીત યાદવ, વેટરનરી, સુમુલ ડેરી
એક જ સોયથી પશુઓને રસીકરણ: જોકે પશુપાલકો દ્વારા વેક્સિનેશન માટે વપરાતી નિડલ (સોય) થી અન્ય પશુઓને પણ રસીકરણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એક જ નિડલ સોયથી બીજા પશુનો રસીકરણ કરવામાં આવે તો ચેપ લાગી શકે છે.
અધિકારીનો લુલો બચાવ: 15 જેટલા પશુઓના મોત તેમજ અન્ય પશુઓમાં જોવા મળેલા લંપી વાયરસના લક્ષણ બાદ પશુ પાલન ટીમ સ્થળ પર પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી રહી છે. મહત્વનું છે કે પશુ પાલન વિભાગના અધિકારીએ પોતે સુમુલ ડેરી સાથે સંકલન કરી કામગીરી કરી હોવાનો પોતાનો લુલો બચાવ કરતા પોતાની નિષ્ક્રિયતાને છુપાવવા જવાબદારીમાંથી છટકબારી કરી હતી. અને પોતે કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
પશુપાલકોને સહાય ચુકવવા માંગ: માંગરોળ તાલુકો બહુલ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે લંપી વાયરસના કહેરના કારણે પશુઓના મોત નીપજતા હાહાકાર મચી ચુક્યો છે. ત્યારે પશુપાલકો પોતાના આજીવિકા સમાન પશુઓને બચાવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે પશુપાલકોને સહાય ચુકવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.