સુરત : સુરતના વેસુ ખાતે આવેલા બાલ આશ્રમમાંથી 13 વર્ષીય બાળક ભાગી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ બાળક દીવાલ દીવાલ કૂદીને ભાગતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આશ્રમમાંથી બાળક ગુમ થયો : સુરતના વેસુ સ્થિત સોમેશ્વર એન્કલેવની પાછળ વિશ્વ જાગૃતિ મિશન બાલઆશ્રમ આવેલો છે. અહીં રહેતો અને ધો. 6 માં અભ્યાસ કરતો 13 વર્ષીય બાળક ગુમ થઈ ગયો હતો. શિક્ષકે બાળકોની ગણતરી કરતા એક બાળક ગુમ થયો હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને શિક્ષકે સુપ્રીડેન્ટ રાજેશ ઠાકરને જાણ કરી હતી. આ ઘટના બાદ ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં બાળક દીવાલ કૂદીને ભાગતો હોવાનું નજરે પડ્યું હતું.
CCTV ફૂટેજમાં હકીકત કેદ : વેસુ પોલીસ સ્ટેશનના PI એમ.સી. વાળાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે રાજેશ ઠાકર દ્વારા વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બાળકની રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તેમ છતાં તેની કોઈ ભાળ મળી ન હતી. આ મામલે વેસુ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. હાલ અલગ અલગ ટીમ બનાવીને બાળકની શોધખોળ ચાલુ છે. આશરે 300 થી પણ વધુ સીસીટીવી ફૂટેજની તપાસ અમે કરી રહ્યા છે.
બાળકને દત્તક લીધો પરંતુ : મહત્વનું છે કે વલસાડના અબ્રામા ખાતે રહેતા દંપતીએ આ બાળકને દત્તક લીધો હતો. પરંતુ બાળક ઘરમાં તોડફોડ કરતો હોવાથી અને પાલક પિતાનું અવસાન થતા પાલક માતાએ તેને કતારગામના શ્રી વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ આ બાળક હાલમાં વેસુ સ્થિત વિશ્વ જાગૃતિ મિશન બાલ આશ્રમમાં રહેતો હતો. વધુમાં બાળક ત્રણ મહિના અગાઉ પણ આશ્રમમાંથી ક્યાંક ચાલ્યો ગયો હતો. બાદમાં ઉધના મગદલ્લા રોડ પરથી મળી આવ્યો હતો. જો કે હાલ તો વેસુ પોલીસે આ મામલે બાળકની શોધખોળ હાથ ધરી છે.