સુરતઃ દિવાળીની રાત્રે લોકો ફટાકડા ફોડવાનો આનંદ માણે છે. જો કે આ આનંદ બીજા કેટલાક માટે દુઃખનું કારણ બની જાય છે. સુરતમાં દિવાળીની રાત્રે ફટાકડાને લીધે ગણતરીના કલાકોમાં 125 સ્થળોએ આગ દુર્ઘટના સર્જાઈ હતી. ફાયર બ્રિગેડે આખી રાત આગ અકસ્માતો સંદર્ભે ફરજ બજાવવી પડી હતી.
ફટાકડાને લીધે આગ દુર્ઘટનાઃ સુરત જેવા મોજીલા શહેરની દિવાળી ફટાકડાએ બગાડી નાંખી હતી. ગણતરીના કલાકોમાં સમગ્ર શહેરમાં 125 આગ દુર્ઘટનાઓ સર્જાઈ હતી. આ દુર્ઘટનાઓ એવી છે જેનો કોલ ફાયર બ્રિગેડને આવ્યો હોય અને તેમણે કામગીરી કરીને આગ કાબૂમાં લીધી હોય. નાના મોટા આગ અકસ્માતો કે જેમાં સ્થાનિકોએ આગ કાબૂમાં લઈને મોટી દુર્ઘટના અને જાનમાલના નુકસાનને અટકાવ્યું હોય તેની સંખ્યા તો કેટલી હશે તેનો અંદાજ લગાડવો મુશ્કેલ છે? આવી કપરી સ્થિતિ સર્જાશે તે ભીતીથી ફાયર બ્રિગેડે પોતાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓની દિવાળીની રજા અગાઉથી જ રદ કરી દીધી હતી. તેથી સમગ્ર શહેરમાં 125 આગ દુર્ઘટના સંદર્ભે કામગીરી કરવામાં ફાયર બ્રિગેડ આખી રાતમાં પહોંચી શક્યું.
ફાયર વિભાગને 125 સ્થળોએ આગની ઘટના અંગે કોલ આવ્યો હતો. જેમાંથી સૌથી વધારે રાંદેર ઝોનમાં ઘટના બની છે આ તમામ ઘટનાઓમાં જોકે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. તમામ જગ્યાએ ફટાકડાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જે લોકોએ દીવા પ્રજ્વલિત કર્યા હતા, તેના કારણે પણ અનેક જગ્યાએ આગ લાગી હોવાની પણ જાણકારી મળી છે. તમામ જગ્યાએ ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચી આગ ઓલવવા માટેની કામગીરી હાથ ધરી હતી...વસંત પારેખ(ચિફ ફાયર ઓફિસર, સુરત)
- સુરતના કયા ઝોનમાં કેટલી આગ દુર્ઘટના સર્જાઈ
ઝોન | આગ દુર્ઘટના |
રાંદેર | 29 |
વરાછા | 21 |
અઠવા | 19 |
કતારગામ | 18 |
લિંબાયત | 16 |
ઉધના | 14 |
સેન્ટ્રલ ઝોન | 8 |