સુરત: શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડે દેશભરમાં ચકચાર જગાવી હતી અને આ ઘટના બાદ આવી ઘટના બીજી વખત ન બને તે માટે ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. સુરતમાં ફાયર વિભાગે સર્વે હાથ ધર્યો છે અને અપુરતી ફાયર સુવિધાવાળી મિલકતોને નોટીસ આપવામાં આવી રહી છે અને નોટીસની અવગણના થતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે, ફાયર વિભાગ દ્વારા સુરતના કૃષિ બજાર એટલે એપીએમસી માર્કેટને સીલ મારી દેવામાં આવ્યું છે ત્યાં 124 જેટલી ઓફીસ અને દુકાનો આવેલી છે. આ ઉપરાંત સીટી ટેક્સટાઇલ માર્કેટને પણ ફાયર વિભાગે અપૂરતી ફાયર સુવિધાના કારણે સીલ મારી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, હાઇટેક બનાવવામાં આવેલી કૃષિ બજારમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવા બાદ પણ ફાયરસેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો જેના બાદ ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મોડી રાત્રે બાર વિભાગના જવાનો કૃષિ બજાર પહોંચી એપીએમસી માર્કેટના આશરે 124 જેટલી દુકાનોને સીલ કર્યા હતા.