સુરત: મહિલાઓ માટે પીરિયડ મહિનાના પાંચ દિવસ મુશ્કેલીભર્યા હોય છે. માત્ર આ વાત મહિલાઓ જ સમજી શકે છે. પરંતુ સુરતની ડિજિટલ માર્કેટિંગ કંપનીએ તેમની આ સમસ્યાને સમજી છે. કંપનીના માલિક પુરુષ હોવા છતાં તેમની મુશ્કેલીઓ સમજી કંપનીમાં કાર્યરત તમામ મહિલા કર્મચારીઓને 12 દિવસની 'પીરિયડ લીવ' આપવાની પહેલ કરી છે.
નોકરી કરનાર મહિલાઓ પીરિયડના દિવસોમાં મહા મુશ્કેલીથી કામ કરતી હોય છે. કારણ કે, આ સમય દરમિયાન અસહ્ય દુખાવો, હેવી બ્લડિંગ, મૂડ સ્વિંગ તેમજ બ્રેસ્ટમાં દુઃખાવો જેવી અનેક સમસ્યાઓ મહિલાઓને થતી હોય છે. જોબ કરનાર મહિલાઓ માટે અનેક વાર આવા પીરિયડના સમયે કામ કરવાની વાત તો દૂર બેસવાનું પણ મુશ્કેલ થઈ જતું હોય છે. એક જ સ્થળે બેસી રહેવું અથવા ફિલ્ડ વર્ક કરવું ખૂબ જ અઘરું થઈ જાય છે. હાલ જ એક ફૂડ કંપનીએ મહિલાઓની આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને મહિલા કર્મચારીઓ માટે 10 દિવસની 'પીરિયડ લીવ' આપવાની પહેલ કરી છે. આવી જ અનોખી પહેલ હવે સુરતની ડિજિટલ માર્કેટિંગ કંપનીએ કરી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા iVIPANAN કંપનીના માલિક ભૌતિક શેઠે પોતાની કંપનીમાં કાર્યરત તમામ મહિલા કર્મચારીઓને 12 દિવસની પેડ પીરિયડ લીવ આપવાની જાહેરાત કરી હતી. જેમાં મહિલા કર્મચારીઓ પીરિયડના 5 દિવસ દરમિયાન ક્યારે પણ થનાર તકલીફ મુજબ લીવ લઈ શકે છે. કંપની દ્વારા પગાર કાપ પણ કરવામાં આવશે નહીં.
આ અંગે ભૌતિક શેઠે જણાવ્યું હતું કે, એક ફૂડ કંપની દ્વારા પીરિયડ લીવની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ અમારી કંપનીમાં કાર્યરત તમામ મહિલા કર્મચારીઓને અમે પીરિયડ લીવ આપવાની જાહેરાત કરી છે. મહિલા કર્મચારીઓ લીવ લઈ અથવા વર્ક ફ્રોમ હોમ થકી આવા દિવસોમાં રાહત મેળવી શકે છે. મહિલાઓ માટે વર્કિંગ એન્વાયરમેન્ટ હ્યુમન ફ્રેન્ડલી હોય અને મહિલાઓ પોતાને હેલ્થી અને હેપ્પી અનુભવી શકે એ મુખ્ય હેતુ છે. અમે જાણીએ છીએ કે, પીરિયડ દરમિયાન મહિલા કર્મચારીઓને અનેક મુશ્કેલીઓ થતી હોય છે. મુડ સ્વિંગના કારણે તણાવ અને શારીરિક રીતે અવગાડતાના કારણે તેઓ ખૂબ જ તણાવમાં રહે છે.
આથી આ પરિસ્થિતિમાં અમે આ નિર્ણય લીધો છે. તેમજ અમે ઇચ્છીએ છીએ કે, નાની અથવા મોટી કોઈ પણ કંપની હોય તેમણે આ નિર્ણય મહિલા કર્મચારીઓ માટે લેવો જોઈએ, સાથે સરકાર પણ આ અંગે પોલિસી લાવવી જોઈએ એવું અમે માનીએ છીએ.
આ અંગે કંપનીના મહિલા કર્મચારી રેશ્માએ જણાવ્યું હતું કે, કંપનીના નિર્ણયના કારણે તમામ મહિલા કર્મચારીઓ ખૂબ જ ખુશ છે. દરેક મહિલાઓનું શરીર જુદુ હોય છે, જેથી દરેક મહિલાઓમાં તકલીફ જોવા મળે છે. જેમાં કોઈ મહિલાને આખો દિવસ તકલીફ થતી હોય , કોઈને પ્રથમ દિવસે કોઇને બીજા દિવસે, આવી રીતે અનેક તકલીફો મહિલાઓને થતી હોય છે. એક જગ્યાએ બેસી શકે એ મુશ્કેલીભર્યું હોય છે. પરંતુ આ નિર્ણયના કારણે મહિલા કર્મચારીઓને ખૂબ જ મોટી રાહત મળી છે.
જ્યારે અન્ય મહિલા કર્મચારી ઈશાએ જણાવ્યું હતું કે, આ નિર્ણયના કારણે અમને ખૂબ જ સારું લાગી રહ્યું છે કે, હું મારા પીરિયડના સમયે શાંતિથી દિવસ કાઢી શકીશ, કંપનીએ જે નિર્ણય લીધો છે, તેના કારણે સારી રીતે કામ કરી શકશું. જેનાથી કંપનીને પણ ફાયદો થશે. અનેકવાર કલાઇન્ટ મિટિંગમાં બ્રેક મળી રહેશે.