સુરત: 108 સેવા રાજ્યના જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ છેવાડાના અંતરિયાળ વિસ્તારોના દર્દીઓ માટે સંકટ સમયની સાંકળ બની છે. આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે તાત્કાલિક મેડિકલ સારવાર અને મદદ માટે લોકજીભે ચઢેલો એકમાત્ર નંબર એટલે 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ છે, ત્યારે 108 સેવા ઓલપાડ તાલુકાના ઈલાવ ગામની સગર્ભા મહિલા માટે આશીર્વાદરૂપ બની હતી.
પ્રસૂતિ પીડા વધી જતા એમ્બ્યુલન્સમાં જ ડિલીવરી: 2 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે 4.24 કલાકે ઇલાવના હળપતિવાસમાં રહેતા પરિવારની 20 વર્ષીય સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા પરિવારે 108ને કૉલ કર્યો હતો. જેથી 108 એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચી હતી. દર્દીને ઓલપાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર જઈ રહ્યા હતા, ત્યારે વડોલી ગામ પાસે પહોંચતા વચ્ચે રસ્તામાં પ્રસૂતિ પીડા વધી જતા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જ ડિલીવરી કરાવવાની જરૂરિયાત ઉભી થઈ હતી. EMT સ્નેહલ પટેલે વધુ સમય ન બગાડતા વડોલી ગામ પાસે એમ્બ્યુલન્સ ઉભી રખાવી અને 108માં જ સાવધાનીપૂર્વક ડિલિવરી કરાવી હતી. સફળ પ્રસૂતિ થતા માતાએ 1.70 કિલો વજન ધરાવતા એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.
સફળ પ્રસૂતિ થતાં સમગ્ર પરિવારમાં ખુશી: અમદાવાદ સ્થિત 108ની હેડઓફિસ સ્થિત ડો.પરમારના માર્ગદર્શન હેઠળ બાળકને ન્યુ બોર્ન કેર આપીને પ્રસૂતા માતા અને નવજાત બાળકને ઓલપાડ સીએસસીમાં શિફ્ટ કરાયા હતા. સફળ પ્રસૂતિ થતાં સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો અને 108 ટીમના EMT સ્નેહલ પટેલ અને પાઇલોટ મહેશ ગમારાનો આભાર વ્યક્ત કર્યો હતો.
108ની ટીમની સરાહનીય કામગીરી: અન્ય કામગીરીની વાત કરીએ તો એક મહિના પહેલા પણ સુરતમાં સાયણ 108ની ટીમની સરાહનીય કામગીરી કરી છે. પીપોદરા ખાતે રહેતા કાજલબેન પસમાંને પ્રસવની પીડા ઉપડતા 108ને જાણ કરાઈ હતી. જે બાદ 1 કિલોમીટર સુધી કાદવ કીચડ હોવાથી 108 એમ્બ્યુલન્સ પ્રસૂતાના ઘર સુધી પહોંચે તેવી સ્થિતિ ન હતી. જેને લઈ 108ની ટીમ 1 કિલોમીટર કાદવ-કિચડમાં ચાલીને મહિલાના ઘરે પહોંચ્યા હતા અને સ્થળ પર જ સુરક્ષિત મહિલાની ડિલિવરી કરાવી હતી. બાદમાં ચાલુ એમ્બ્યુલન્સમાં સારવાર આપી બાળકી અને માતાને સાયણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે મહિલા અને બાળકીનો જીવ બચી જતા સ્થાનિકોએ 108ની ટીમની પ્રશંસા કરી હતી.
(પ્રેસ નોટ આધારિત )