સંસ્થાના ટ્રસ્ટી ગણેશ ઘેવરિયાએ જણાવ્યું હતું કે, એક જ દિવસમાં જેટલી ડીલવરી થાય તે તમામ દીકરીઓ જન્મે આવું ક્યારેક જ બનતું હોય છે. તેથી આ દિવસને અમે એક ઉત્સવ તરીકે મનાવ્યો હતો. સરકાર અને સામાજિક સેવા સંસ્થાઓએ ચલાવેલા અભિયાનનું પરિણામ કહી શકાય. પહેલાના સમયમાં જો પરિવારમાં દીકરીનો જન્મ થાય તો તે પરિવાર થોડો નિરાશ રહેતો પરંતુ, તેમાં હવે ઘણું પરિવર્તન જોવા મળે છે. જેમને ત્યાં દીકરી જન્મે તેની માતા પણ ખુશ જોવા મળે છે અને તેમનો પરિવાર પણ દીકરી જન્મની ખુશીમાં પેંડા વહેંચતો થયો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં બીજી દીકરી જન્મે તો ચાર્જ નહીં લેવાની સાથે એક બોન્ડ પણ આપવામાં આવે છે.
આ બોન્ડ નવજાત દીકરી 20 વર્ષની થાય ત્યારે તેને એક લાખ રૂપિયા મળવા પાત્ર હોય છે. ટ્રસ્ટી મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે, હનુમાન જયંતીના દિવસે હોસ્પિટલમાં 10 મહિલાઓની પ્રસુતિ થઇ હતી અને તેમાં એક જ દિવસમાં 10 દીકરીઓનો જન્મ થતાં તેમના માનમાં હોસ્પિટલમાં ઉજવણી કરાઇ હતી.