તાપી: ઉકાઈ ડેમમાં શનિવારે સવારે 7 વાગ્યે 1.20 ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો. જેને કારણે બારડોલીના કડોદ નજીક આવેલો તાપી નદી પરનો હરિપુર કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ કોઝવે ડૂબી જતાં માંડવી તાલુકાનાં 14 જેટલા ગામોનો ફરી એક વખત બારડોલી તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો હતો.
ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. શનિવારે વહેલી સવારે 7 વાગ્યે પાણીની આવક 1 લાખ 37 હજાર 721 ક્યુસેક તથા જાવક 1 લાખ 20 હજાર 260 ક્યુસેક સાથે ડેમની સપાટી 343.89 ફૂટ નોંધાઈ હતી. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે વધી રહેલી આવકને કારણે પાણી સતત છોડવામાં આવી રહ્યું હતું. સાંજે પાંચ વાગ્યે આવક ઘટીને 79506 થતાં હાલમાં જાવક પણ એટલી જ 79506 ક્યુસેક રાખવામાં આવી છે. હાલ ડેમની સપાટી 343.81 ફૂટ હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જણાવવામાં આવ્યું હતું.