બનાસકાંઠાઃ ધાનેરાના લોકોની વર્ષો જુની માંગણીને લઈ ધાનેરા શહેરમાંથી પસાર થતાં રેલ્વે ઓવર બ્રિજને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ અહીંથી પસાર થતાં માર્ગનું ડાયવર્ઝન સમારવાડા- ફતેહપુરા માર્ગ પર આપવામાં આવ્યું છે, પરંતુ ફતેહપુરા માર્ગ એકદમ બિસ્માર હાલતમાં હોવાના લીધે હજુ પણ કેટલાક વાહનો બ્રિજની બાજુમાંથી જ પસાર થઈ રહ્યા છે, ત્યારે આજે ડાયવર્ઝન આપવામાં આવેલા ફતેહપુરા માર્ગ પરથી એક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ટ્રેલર પલટી ખાઈ જતાં અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ માર્ગ રીપેર ના કરતા આજે કંટાળેલા ગ્રામજનોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.
સ્થાનિક લોકો આજે રસ્તા પર જાડિયા નાખી ચક્કાજામ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા અમદાવાદ પછી અનેકવાર નાના-મોટા અકસ્માતો પણ થયા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા આ જ રીતે ન કરવામાં આવતા અને આજે આ માર્ગનું જાહેરનામું પૂર્ણ થઇ જતાં ગ્રામજનોની ચક્કાજામ કરી બળાપો કાઢયો હતો.
આ બનાવને પગલે ધાનેરામાં મામલતદાર ભગવાનદાસ ખરાડી પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને બોલાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. કલાકો સુધી થયેલા ચક્કાજામ બાદ ટ્રાફિક ખુલ્લો થતાં વાહનચાલકોએ પણ હાંશકારો અનુભવ્યો હતો. જ્યારે સ્થાનિક ગ્રામજનોને સમજાવી બ્રિજનું કામ જલ્દી પૂર્ણ કરાવી રોડનું સમારકામ કરાવી આપવાની બાંયધરી આપી ગ્રામજનોને સમજાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.
ધાનેરામાં રેલ્વે બ્રિજનું કામકાજ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિના લીધે આ કામકાજ હજુ સુધી પૂરું નથી થઈ શક્યું. તેના કારણે ધાનેરાના નગરજનોને વારંવાર ટ્રાફિકજામની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા આ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારીને બ્રિજની કામગીરી ઝડપી પૂરી કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.