સાબરકાંઠા: દેશના વીર જવાનોને સાબરકાંઠા જિલ્લામાંથી 911 ગામોમાંથી ‘વિજયસુત્ર’ એકઠા કરવામાં આવ્યા છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના સમાહર્તા દ્વારા આગામી દિવસોમાં દેશના જવાનોને મોકલવામાં આવશે.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વામી વિવેકાનંદ યુવા મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર સી.જે. પટેલને રાખડીઓ સુપ્રત કરવામાં આવી હતી. દેશની રક્ષા કાજે સરહદ પર તૈનાત વીર જવાનોને અર્પણ કરવા જિલ્લાના 8 તાલુકાઓમાંથી રાખડીઓ એકઠી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, જે આપણી રક્ષા કરે છે તેમને રાખડી અર્પણ કરવાની મુખ્યપ્રધાનની પહેલના પગલે રાજ્યના 18 હજાર કરતાં વધુ ગામોનો પ્રેમ દેશના જવાનોમાં નવો ઉત્સાહ જગાવશે.
દેશની સેવા માટે આપણા જવાનો પોતાના પરીવારથી દુર છે. આપણે જ્યારે તહેવારોની ઉજવણી કરીએ છીએ ત્યારે તેઓ દેશની સુરક્ષા કાજે તૈનાત હોય છે. તેઓ માટે દેશની સુરક્ષા જ મોટો તહેવાર છે.
આવા સરહદના વીર જવાનો માટે સાબરકાંઠાના 911 ગામોની બહેનો દ્વારા 3,510 રાખડીઓ ‘વિજયસુત્ર’ દેશની સરહદ પર ફરજ બજાવતા જવાનો સુધી પહોંચાડવામાં આવશે.
આગામી સમયમાં સરહદ પર ગામડાઓમાં મોકલાવેલી રાખી જવાનોને પહોંચશે, ત્યારે આગામી સમયમાં ગામડાઓની ખુશી સરહદ પર પહોંચશે એ નક્કી છે.