આજે આપણે એક એવા ગામની વાત કરીશું, જેને જાણીને સૌ કોઈ ચોંકી જશે. સાબરકાંઠાના વડાલી તાલુકાનું ભંડવાલ ગામ એક અનોખું ગામ છે. આ ગામમાં ગુજરાતના તમામ જિલ્લાઓના નામથી ગામની શેરીઓ ઓળખાય છે. ગામના લોકોનું માનવું છે કે, ગુજરાતના તમામ જિલ્લાઓના નામ રાખવાથી ગામમાં એકતા જળવાઈ રહે છે. છેલ્લા 25 વર્ષથી સમરસ તેમજ કોઈપણ પ્રકારના વાદ-વિવાદ કે પોલીસ કેસ ન હોય તેવા ગામ ગુજરાત માટે નવી દિશા બતાવનાર છે.
સાબરકાંઠા જિલ્લામાં આવેલું વડાલી તાલુકાનું ભંડવાલ ગામ અંદાજે 800થી વધુની જનસંખ્યા ધરાવે છે. આ ગામમાં વિવિધ સમાજના લોકો રહે છે. પરંતુ આજ સુધીમાં ગુજરાતના મોટા ભાગના ગામડા વાદ-વિવાદ રાજકારણ અને પોલીસ કેસથી જાણીતા છે. આ ગામ કંઇક અલગ છે. દ્રશ્યમાં દેખાતા જિલ્લાઓના નામ એ વાસ્તવમાં એક જ ગામના અલગ-અલગ શેરીઓના નામ છે. વાસ્તવમાં અલગ-અલગ નામ આપવાથી ગામમાં એકતાનો માહોલ બનેલો છે.
તો સાથે જ વિવિધ સમાજથી નાના-મોટાનો ભેદ પૂર્ણ થયો છે. આજે સમગ્ર ગામ એકસાથે કોઈપણ કામ કરી શકે છે. છેલ્લા 25 વર્ષથી ગામમાં કોઈ પણ પ્રકારના ચૂંટણીનો માહોલ નથી. તો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનો પોલીસ કેસ થયો નથી. ગામમાં તમામ રસ્તા RCCથી જોડાયેલા છે. ગામમાં CCTV કેમેરા સ્પીકર તેમજ પાણી માટેના ATM પણ આવેલા છે.
આજે વિકાસનું મોડેલ ગણાતા શહેરોની સમક્ષ વડાલી તાલુકાનું ગામ બન્યું છે. ગામમાં ATMની સુવિધાથી લઈ ડિજિટલ માર્કેટથી તમામ કામ થાય છે. તેમજ આવનારા સમયમાં આ ગામ એકતાની સાથે-સાથે 'સૌનો સાથ સૌનો વિકાસ' ની ભાવનાથી તમામ લોકોને રોજગાર મળી રહે તે દિશામાં કાર્યરત છે. આ તમામ બાબત પાછળ ગુજરાતના તમામ જિલ્લાના નામ આપી વિવિધતામાં એકતાની સાથી વિકાસની રાહ મજબુત બનાવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના ગામડા પણ આવી રીત અપનાવતા થાય તો વિકાસ કરવો મુશ્કેલ નથી