સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મામલતદારે આ યોજનાનો લાભ ન મળતો હોવાની રજુઆત કરતા સરકારી ગોડાઉનના મેનેજર તેમજ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. જેમાં વર્ષ 2016-17 ના પ્રથમ સત્રનો માલ-સામાન હાલ વિતરણ કરવામાં આવી રહ્યો છે. જ્યારે 2017-18 અને 2018-19 નો માલ સામાનની ફાળવણી બાકી છે. માત્ર ખેડબ્રહ્મા તેમજ પોશીના તાલુકાની વાત કરવામાં આવે તો, 94 શાળાઓ પૈકી માત્ર 18 શાળાઓમાં જ અનાજની ફાળવણી કરવામાં આવી છે. સ્થાનિક મામલતદાર આ યોજના માટે ગોડાઉન મેનેજર તેમજ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી ખૂલાસો માંગી રહ્યો છે.
જો કે, આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક કરતા તેમણે સમગ્ર માલસામાન નિયત સમયે પહોંચતો હોવાની વાત કરી હતી. આ યોજના અંતર્ગત સરકારી ચોપડે તમામ માલ સામાનની ફાળવણી પણ થઈ ગઈ છે અને તે માટે સરકારી ગોડાઉન તેમજ કોન્ટ્રાક્ટર તરફથી પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર પાસે છેલ્લા ત્રણ વર્ષના આંકડા મેળવતા ત્રણ વર્ષ પહેલાં જ તમામ માલ સામાનની ફાળવણી થયાનું તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા માલસામાન પહોંચાડી દેવામાં આવ્યું હોવાનું સર્ટી પણ આપી દેવાયું છે. આટલું મોટું કૌભાંડ થયા બાદ પણ 'સબ સલામત હૈ' ના નારા ગુંજી રહ્યા છે. ત્યારે સત્ય ક્યારે બહાર આવશે તે પણ એક પ્રશ્ન છે.
સાબરકાંઠામાં સૌથી વધુ 7 બજાર બાળકો અતિ કુપોષિતની હરોળમાં આવે છે, ત્યારે અન્ય જિલ્લાઓનું શું પુછવું ? વિદ્યાર્થીનીઓ માટે 3 ર્ષ પહેલા 30 કિલો અનાજ ફાળવવામાં આવ્યું હોવા છતાં આજ દિવસ સુધી અનાજ પહોંચ્યું નથી તો, બીજી તરફ હવે ત્રણ વર્ષ પહેલાં અનાજ ફાળવવાની સુફિયાણી વાતો થઇ રહી છે. જિલ્લાના સમાહર્તા સહિત રાજ્ય સરકાર આ મામલે ઠોસ પગલા ઉઠાવે તો, ગુજરાતભરમાં આદિવાસી વિસ્તારોમાં ચાલતા મોટા મોટા કૌભાંડ બહાર આવી શકે છે. જો કે, કોન્ટ્રાક્ટર દ્વારા મોટાભાગના અધિકારીઓને મેનેજ કરવાની પદ્ધતિ હોવાથી આ કૌભાંડ પણ પદ્ધતિ બની જાય તો નવાઈ નહી.
સામાન્ય રીતે સરકારી પરિપત્ર મુજબ સરકારી ગોડાઉનથી પંડિત દીનદયાળ ગ્રાહકની એજન્સી ધરાવનારા તમામ લોકોને સત્ર દીઠ 30 કિલો અનાજ પહોંચાડવાનું હોય છે. જે વિદ્યાર્થીની હાજરી 70 ટકાથી વધારે હોય તેને આ સહાય આપવાની હોય છે. જો કે, આજ દિવસ સુધી આ યોજના છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચી શકતી નથી. હાલમાં તો સમગ્ર કૌભાંડ મુદ્દે અધિકારીઓ એકબીજાને ખો આપી કૌભાંડનો ઢાંક પિછોડો કરતા નજરે પડી રહ્યા છે.