સાબરકાંઠાઃ રાષ્ટ્રીય પંચાયત દિવસ નિમિત્તે ભારતના PM નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સ થકી 31 લાખથી વધારે સરપંચો સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો. જે અંતર્ગત સાબરકાંઠાના અણિયોડ ગ્રામ પંચાયતની વીડિયો કોન્ફરન્સમાં પસંદગી થતા સ્થાનિક ગ્રામવાસીઓમાં ખુશીની સાથે ગૌરવ માહોલ છવાયો હતો.
જોકે વડાપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સમાં આગિયોડ ગ્રામ પંચાયત તેમજ સભ્યો કે સરપંચ સાથે વાત થઈ શકી ન હતી પરંતુ ભારતના વડાપ્રઘાને અલગ-અલગ રાજ્યોના છેવાડાના ગામડાઓમાં થયેલા પ્રયાસોને બિરદાવ્યાં હતા.
તેમજ સાબરકાંઠા જિલ્લામાંથી અણિયોડ ગ્રામ પંચાયતની પસંદગી માટે સ્થાનિકોના જણાવ્યાં મુજબ વડાપ્રધાને પ્રથમ દિવસે આપેલા લોકડાઉનના દિવસથી જ ગામમાં સેનેટરાઈઝ સાથો-સાથ ગામમાં અન્ય વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
સાથો-સાથ ગામમાંથી બીજા ગામમાં ન જવા માટે પણ લોકોને સમજાવટ કરવામાં આવી હતી. વિનામૂલ્યે માસ્ક વિતરણની સાથે લોકોની અન્ય જરૂરિયાતો પણ ઘેર બેઠાં પહોંચાડવાની શરૂઆત આજ દિન સુધી યથાવત રહી છે.
જોકે આ વિસ્તારમાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી તેમ જ આગામી સમયમાં મહામારી સાબિત થઈ ચુકેલા આ રોગનો કોઈ પણ કેસ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં ગામના તમામ રસ્તાઓ સૂમસામ બની રહ્યા છે. તેમજ લોકોની પ્રાથમિક જરૂરિયાતો ઘેર બેઠા પુરી થાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે.
ભારતના વડાપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સ માટે અણિયોડ ગ્રામ પંચાયતની પસંદગી થતા લોકોએ ખુશી સાથે ગૌરવ અનુભવ્યું હતું તેમજ ભારતના વડાપ્રધાન આવી પહેલને બિરદાવી હતી.