હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણ અંગે વહિવટી તંત્ર દ્રારા જન જાગૃતિ માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. જેના પરીણામ હવે લોકોમાં કોરોના અંગે જાગૃતિ આવી રહી છે. આ જન જાગૃતિનુ એક શ્રેષ્ઠ ઉદાહરણ ઇડર તાલુકાના ચિત્રોડા ગામે જોવા મળ્યું. ચિત્રોડાની તિથિના લગ્ન ગોરલના પ્રિયાંક સાથે માત્ર 21 સભ્યોની હાજરીમાં કરવામં આવ્યાં.
ઇડરના ચિત્રોડાના બારોટ પરીવારમાં દિકરીના લગ્નમાં માત્ર ઘરના અને નજીકના લોકોએ જ હાજરી આપી અને સરકારના આદેશ અનુસાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરી પ્રસંગ કર્યો હતો. ભારતીય હિંદુ પરંપરા અનુસાર આ લગ્ન કરવામાં આવ્યા હતા.આ લગ્નમાં કન્યા પક્ષના 10 લોકો અને 10 લોકો વર પક્ષ તરફથી અને એક બ્રાહ્મણ હાજર રહ્યા હતા. ખુબ જ સાદગીથી પરંપરા અનુસાર નવદંપતીએ લગ્નના ફેરા ફરી દામ્પત્ય જીવનની શરૂઆત કરી હતી. દામ્પત્ય જીવનની શરૂઆતમાં જ તેઓ પોતાની સામાજીક જવાબદારી સમજી કોરોના મહામારીનું સંક્રમણ ના ફેલાય તે માટે ઘરના સભ્યોની હાજરીમાં સાદગીથી લગ્ન કર્યા હતા.
તિથિ અને પ્રિયાંકે સામાજીક જવાબદારીનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. ત્યારે સમગ્ર વિશ્વ અને દેશ જ્યારે કોરોના વાઈરસ સામે લડી રહ્યો છે, ત્યારે તમામ નાગરીકોની જવાબદારી બને છે કે તેઓ આ લડાઇમાં પોતાની ભૂમિકા સમજે અને દેશને આ મહામારીથી બચાવવા પોતાનાથી બનતા પ્રયાસો કરે તે જરૂરી છે.