સાબરકાંઠા: જિલ્લા કક્ષાનો 71મો વન મહોત્સવ ગુરુવારના રોજ પ્રાંતિજના ઉમાધામ ખાતે યોજાયો હતો. જેમાં પવિત્ર શ્રાવણ માસમાં બીલીપત્ર, પારીજાત, કદમ, રુદ્રાક્ષ, અડુસી, બોરસલ્લી, તુલસી તથા વનૌષધિ અને તરૂપૂજન સાથે મહાનુભવો દ્વારા તરૂરથને પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ રશ્મિભાઈ પંડયા પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ પ્રધાન જયસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર, વનવિભાગના અધિકારીઓ દ્વારા મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરાયું પાંચ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
વૈશ્વિક કોરોનાની મહામારીના કપરા સમયમાં વૃક્ષારોપણ મહત્વનો ભાગ ભજવશે. 71મો વન મહોત્સવ તેમાં આશાનુ કિરણ સાબિત થશે. તેમ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે પવિત્ર શ્રાવણ માસમાં બીલિપત્ર વૃક્ષનું વાવેતર કર્યું હતું અને જિલ્લા કક્ષાના વન મહોત્સવનો પ્રાંતિજ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.
હાલમાં વૈશ્વિક સમસ્યા ગ્લોબલ વોર્મિંગમાં વૃક્ષો અગત્યનો ભાગ ભજવીને પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ કરે છે. ત્યારે દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવવા અને ઉછેર કરવો તે સમગ્ર માનવજાતનું કલ્યાણ વન અને વન્ય જીવો સાથે સંકળાયેલું છે. માત્ર પર્યાવરણના જતન માટે નહીં પરંતુ સંસ્કૃતિ અને માનવજાત માટે વૃક્ષો ઉપયોગી અને અનિવાર્ય છે. ગુજરાતના દરેક ભાઈ-બહેનો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ગ્રામ પંચાયતો તથા સરકારી વિભાગો વૃક્ષો વાવીને ધરતીને હરિયાળી બનાવે તે આ સમયની માગ છે.
જો કે, આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને તુલસીનો છોડ આપી સ્વાગત કરી સોશિયલ ડિસ્ટન્સ અને ટેમ્પરેચર ગન તેમજ સેનેટાઇઝ કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે પરિસરમાં સૌ મહાનુભવોએ વૃક્ષારોપણ કર્યું હતું.