સાબરકાંઠા: પાણીના નામે પાપ વહી રહ્યા છે. કાલાખટ્ટા જેવું આ પાણી લોકોને ભરખી જશે. પરંતુ તંત્ર પોતાના આંખ આડા કાન રાખતું જ જોવા મળશે. ખેતર હોય કે ઘર લોકોના ઘરમાં આ કાલાખટ્ટા પાણી વપરાઇ રહ્યું છે. સુજલામ સુફલામ કેનાલ યોજનાને જાણે કંપનીઓના પાણીનું કંલક લાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ખેતરમાં કોઇ પાક થતો નથી. ઘરમાં સ્વસ્થ ભોજન બની રહ્યું નથી. તંત્ર અને કંપનીઓના પાપે આમ જનતા ભુખને ભેટશે. એક કેનાલને જોયા બાદ આ વાત ચોક્કસ કહી શકાય
ઉગ્ર માંગ: સમગ્ર ગુજરાત માટે સફળતાનું શિખર બની રહેલી સુજલામ સુફલામ કેનાલ આગામી સમયમાં કેમિકલની કેનાલ બને તો નવાઈ નહીં.. વાત છે સાબરકાંઠાના તલોદ નજીક આવેલા પડુંસન ગામની. જ્યાં અજાણ્યા ઇસમો દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં કેમિકલ છોડાતા હવે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ સર્જાયો છે. જોકે વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે કોઈ ચોક્કસ પગલાં લે અને સરકાર ને અપીલ કરી રહ્યા છે. આ બાબતે જેતે વ્યક્તિઓ હોય તેના પર કાયદાકીય પગલાં લેવાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.
ભારે વિરોધ સર્જાયો: સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાણીનો પર્યાય બની રહેલી સુજલામ સુફલામ કેનાલ થકી હજારો હેક્ટર જમીનને સિંચાઈ સહિત કેટલાય ગામડાઓ માટે પીવાના પાણીની એકમાત્ર સ્ત્રોત બની રહ્યો છે. સાબરકાંઠાના તલોદ નજીક પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં અજાણ્યા ઇસમો દ્વારા સતત બીજીવાર અત્યંત દુર્ગંધ માળતું કેમિકલ કેનાલમાં છોડી દેતા સ્થાનિક કક્ષાએ ભારે વિરોધ સર્જાયો છે. તલોદના પંડૂસન ગામ નજીક પસાર થતી સુજલામ સુફલામ કેનાલ ઉપર રાત્રિના સમયે અજાણ્યા સમૂહ દ્વારા અત્યંત દુર્ગંધ મારતું કેમિકલ છોડી દેવાયું હતું.
રાજ્ય સરકારને માંગ: જેના પગલે સમગ્ર કેનાલ જાણે કે કેમિકલની કેનાલ બની હોય તેવો ઘાટ સર્જાયો છે. સાથોસાથ આજ કેનાલ માંથી સિંચાઈ તેમજ પીવાના પાણીની સ્થાનિક કક્ષાએ મોટાભાગની જરૂરિયાતો પૂરી થતી હોય છે તેવા સમયે હવે ખેતી તેમજ પશુપાલન ઉપર જીવન ગુજારનારાઓ માટે કેનાલનો આ પાણી હાનિકારક બની રહ્યું છે. જોકે આ મામલે સ્થાનિક ખેડૂતોએ રજૂઆત કરી આગામી સમયમાં આ મામલે ચોક્કસ પગલાં લેવાય અને આવા ઇસમો ને તત્કાલ પકડી પાડવા જોઈએ તેવી રાજ્ય સરકારને માંગ કરી રહ્યા છે.
સુજલામ સુફલામ કેનાલ: જોકે એક તરફ તલોદ નજીક પસાર થતી સુજલામ સુફલામ કેનાલ કેમિકલની કેનાલ બની રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઈપણ પ્રકારના નિવેદનથી દૂર રહેવાનું ટાળ્યું હતું. જોકે ગુજરાત પ્રદૂષણ બોર્ડ પણ આ મામલે હજુ સુધી કોઈપણ પ્રકારની તપાસ હાથ ધરી નથી. ત્યારે આગામી સમયમાં તલોદ વિસ્તારમાં સુજલામ સુફલામ કેનાલ બચાવવા માટે વધુ એક આંદોલનનો ઘાટ સર્જાય તો નવાઈ નહીં.