સાબરકાંઠા આરટીઓ દ્વારા આરટીઓ ઓફિસ હિંમતનગર ખાતે બિનઅધિકૃત વ્યક્તિઓ સામે ઠોસ પગલા ભરવાની શરૂઆત થઇ છે. આરટીઓ એજન્ટ તરીકે કામ કરનારા તમામ લોકો માટે કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ સ્થાનિક સિક્યુરિટીની કામ કરનારા પોલીસ અધિકારી સહિત હિંમતનગર પોલીસ ડિવિઝનને પણ જાણ કરવામાં આવી છે. જોકે બિનઅધિકૃત આરટીઓ એજન્ટોનો ગુજરાતભરમાં રાફડો ફાટયો છે. તેમજ બિન અધિકૃત એજન્ટ વાહન ચાલકો પાસે લાખો રૂપિયા ઉઘરાવી રહ્યા છે. ખાનગી વાહનનો માટે નંબર પ્લેટ, પીયુસી, ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ જે તે વાહનની આરસીબુક માટે આવા એજન્ટો તગડી કમાણી કરી રહ્યા છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં આરટીઓ કચેરી ખાતે આવા ખાનગી એજન્ટો સામે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. તેમજ આ અંગે એક કાયદેસરનો પત્ર જાહેર કરી સિક્યુરિટી સહિત પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, ગુજરાતના 33 આરટીઓ કચેરીમાં આવો પત્ર કદાચ હિંમતનગરમાં પ્રથમવાર કરાયો છે કે જે કાબિલે તારીફ છે. મોટાભાગે કચેરીઓમાં આરટીઓ અધિકારી આવા બિનઅધિકૃત એજન્ટો પાસે તગડા કમિશનની આશા અપેક્ષા રાખતા હોય છે, ત્યારે આવા ગોરખધંધાના પગલે સમાજનો છેવાડાનું વાહનચાલક સામાન્ય ડોક્યુમેન્ટ માટે પણ જરૂરિયાતથી વધુ પૈસા ચૂકવતો હોય છે. તેમજ સરળતાથી થનારા કામો પણ આવા બિન અધિકૃત એજન્ટ પોતાના સ્વાર્થ માટે લાંબો સમય ખેંચતા હોય છે, ત્યારે સાબરકાંઠા આરટીઓ અધિકારી દ્વારા લેવાયેલા આ નિર્ણયને હાલ પૂરતું સ્થાનિકો વધાવી રહ્યા છે.
જોકે આ માટે યોગ્ય સ્ટાફ સહિત જાણકારી પણ સર્વસ્વીકૃત બનાવવામાં આવે તો આગામી સમયમાં બિન અધિકૃત એજન્ટો થકી ખુલ્લેઆમ લૂંટાતા વાહનચાલકો બચી શકે તેમ છે. સાબરકાંઠાની આ દિશા આગામી સમયમાં ગુજરાતના તમામ આરટીઓ કચેરીમાં અપનાવવામાં આવે તો ગુજરાતના મોટાભાગના વાહનચાલકો માટે મુનાસીબ પગલું માની શકાશે.