ભાંખરા ગામની વતની અને હાલમાં હિંમતનગરની હિંમત હાઇસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની દિકરીએ સમગ્ર દેશમાં પોતાનું અને પોતાના પરીવારનું નામ રોશન કરવાની સાથે જિલ્લા અને રાજ્યનું નામ પણ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 2500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્માએ 5.67 મીટર લાંબી કૂદ લગાવી સુવર્ણ પદક પોતાના નામે કર્યો હતો. ખુબ જ સામાન્ય પરીવારમાંથી આવતી નિર્માએ સાબિત કર્યું છે કે, સફળતા માટે અથાક પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
નિર્માએ જણાવ્યું કે, તેના પિતા ભાંખરા ગામે ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું કે, આ જીત માત્ર તેની એકની નહી પરંતુ તેના સમગ્ર પરીવાર, સ્કૂલના શિક્ષકો અને સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમની છે. છેલ્લા એક વર્ષથી નિર્મા સ્પોટ્સ સ્ટેડિયમ ખાતે રહીને હિંમત હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે. વધુમાં નિર્મા જણાવે છે કે, આ સ્પર્ધા માટે તેને ખાસ તાલિમ મળી અને છે. તેના કોચ સંજય યાદવે તેની સાથે ખુબ જ મહેનત કરી છે. કોચ તરફથી મળેલી શિસ્તબધ્ધ તાલિમ અને માતા-પિતાના આશિર્વાદ તેની સફળતાની ચાવી છે.
નિર્માના કોચે જણાવ્યું કે, નિર્માએ આ સ્પર્ધા માટે અથાક પરીશ્રમ કર્યો છે. સતત અને શિસ્તબધ્ધ મહેનત કરી છે. લાંબી કૂદ માટે તે સતત અભ્યાસ કરી પોતાનું કૌશલ્ય વધુને વધુ નિખારવા હંમેશા મેદાન પર જોવા મળતી. વધુમાં તેઓ જણાવે છે કે, નિર્મા ભવિષ્યમાં ભારત માટે એથ્લેટીક્સમાં સુવર્ણ ચંદ્રક લાવશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.