સાબરકાંઠા: પથ્થરમાંથી ઘંટારવ...સાંભળીને કદાચ માન્યામાં નઈ આવે પણ આ છે સત્ય હકીકત. જી હા, સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરથી માત્ર 28 કિલોમીટર દૂર ઇડર તાલુકામાં આવેલ સાબલી ગામે આવેલા મહાકાલી માતાજીના મંદિર ઊંચા ડુંગર પર બિરાજમાન છે. મહાકાલી માના મંદિરની ટોચ પર તેની પાસે એક ચમત્કારિક પથ્થરની શીલા આવેલી છે. આ પથ્થરની શીલાને તમે બીજા પથ્થરથી ખખડાવો તો તેમાંથી મંદિરના ઘંટનાદ જેવો અવાજ આવે છે.
પથ્થરમાંથી ઘંટારવ: આ જે અવાજ આવી રહ્યો છે એ કોઈ મંદિરના ઘંટનો નહિ પણ પથ્થરની શીલાનો રણકાર છે. સાબલી ગામના ડુંગર પર દાયકાઓ પ્રાચીન મહાકાલી માતાજીનું મંદિર આવેલું છે. અહીના શ્રધ્ધાળુઓના માટે સાક્ષાત અહી બિરાજેલા મહાકાલી માતાજી જ આ પથ્થર રૂપે પોતાના પરચા પૂરે છે. અરવલ્લીની ગિરિમાળાઓની ઉપરથી નીચે ગુહાઈ ડેમની પણ નજારો અવલોકિક તથા ને રમ્યો દ્રશ્ય જોવા મળતા હોય છે ઊંચા ડુંગર પર અને અરવલ્લીની ગિરિમાળા શિખરે માતા મહાકાલી બિરાજે છે.
મહાકાળી માનો મહિમા: સાબલી ગામના આ ડુંગર પર મોટી મોટી અનેક પથ્થરની શીલાઓ આવેલી છે. આ બધી શીલોમાંથી રણકાર તો માત્ર બે જ શીલોમાંથી આવે છે. ધીરે ધીરે આ વાતની જાણ થતા અહી શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ થયો. વળી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરનો પણ વિકાસ કરાયો અને આજે અનેકો શ્રદ્ધાળુઓ અહી દર્શનાર્થે આવે છે. ડુંગરમાં આવેલા આ મંદીરમાં ચોરીના પણ પ્રયાસ થયા છે. જો કે મહાકાળી માનો મહિમા એવો છે કે પ્રયાસ કરનારને માતાજીએ ડુંગર ઉતારવા જ નથી દીધા.
અનેક સુવિધાઓ ઉભી કરાઈ: છેલ્લા ચાર કે પાંચ વર્ષમાં મંદિરના ટ્રસ્ટે અહી રોડ બનાવડાવ્યો, લાઈટની વ્યવસ્થા ઉભી કરાવી હતી. ડુંગર પર ચડવા માટે રેલીંગ બનાવડાવી અને હવે ધર્મશાળા સહિતના કામો પણ ચાલુ કરાવ્યા છે. વારે તહેવારે મોટી સંખ્યામાં લોકો અહી દર્શનાર્થે આવે છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુ પોતાના વંશ દીકરા દીકરીની બાધાઓ પણ અહીંયા માનતા રાખે છે અને પોતાની માનતા પૂર્ણ થતા તે પોતાના દીકરા દીકરીને લઈને માતાજીને ત્યાં દર્શનાર્થે આવે છે. માતાજીના મંદિરે એક વિશેષ સુખડીને પણ વરસાદ ધરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભાઈ ભક્તો સુખડીની વરસાદ પણ ધરાવે છે.
આસ્થાનો પથ્થર: પથ્થરમાંથી ઘંટનાદની વાત સાંભળીને પહેલા તો લોકો વિશ્વાસ જ નથી કરતા પરંતુ તેઓ હવે અહી રૂબરૂ આવી જાત અનુભવ મેળવી નવાઈ પામી જાય છે અને મહાકાલી માતાજીનો પરચો માની માતાજીના ગુણગાન ગાતા જાય છે. આનું કારણ ભલે કોઈ વૈજ્ઞાનિક હોય પણ હાલ તો આ પથ્થર આસ્થાનો પથ્થર બની રહ્યો છે.