બે દિવસ અગાઉ વિજયનગર તાલુકાના જાલેટી ગામના બાબુભાઇ બોડાતને પેટમો દુખાવો થતા તેમને ઇડરની ખાનગી હોસ્પિટલ લાઈફ લાઇનમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમને લોહીની ઉલટી થઇ ત્યાર બાદ સ્થાનિક ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. તેના અડધો કલાક પછી એક કંપાઉન્ડર એક ચિઠ્ઠી લઇને આવ્યો અને કહ્યું કે આટલી દવા મેડિકલ પરથી લઇ આવો જેથી પરિવાર મુંજવણમાં મુકાયેલ કે એક બાજુ ડોક્ટર દર્દીને મૃત જાહેર કરે છે, તો દવા કોની માટે મંગાવે છે. આ વાતને લઇ પરિવારે હોસ્પિટલમાં હંગામો મચાવી વીડિઓ બનાવી વાયરલ કરતો હોસ્પિટલ સત્તાધીશો ભૂગર્ભમાં ઉતારી ગયા છે.
એક તરફ દર્દી મૃત્યુ પામ્યા બાદ સ્થાનિક કંપાઉન્ડ તેમજ ડોક્ટર દ્વારા દવા મંગાવાની ઘટનાનો વીડિયો વાયરલ થતા ઈડર તેમજ સમગ્ર જિલ્લામાં હોસ્પિટલ સામે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, તેમજ મૃતકના ભાઇ અને પુત્ર ગંભીર સવાલો ઊભા કરે છે. ત્યારે આ સવાલોનો જવાબ ક્યારે મળશે તે પણ જોવાનું રહ્યું છે.
જોકે આ મુદ્દે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી ત્યારે જો કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ તો સત્ય બહાર આવી શકે તેમ છે. જોકે ફરિયાદ ક્યારે થાય છે તે તો આગામી સમય જ બતાવશે.