સાબરકાંઠા: જિલ્લા કલેકટરે વહિવટી તંત્ર વતી વેન્ટીલેટર સ્વીકારતા જણાવ્યું હતું કે, ભારતીય સ્ટેટ બેંક દ્રારા કોરોનાના કાળમાં ખુબજ સારી સેવાઓ કરવામાં આવી રહી છે. અગાઉ બેંક દ્રારા માસ્ક, હેન્ડ સેનિટાઇઝર તેમજ પી.પી.ઇ કીટ જેવી ખુબ જ જરૂરીયાતની વસ્તુઓ હોસ્પિટલને ભેટ આપી કોરોના વોરીયર્સ તરીકે કામ કરતાં ડૉક્ટરો અને નર્સોનો ઉત્સાહ વધાર્યો હતો. આ વેન્ટીલેટર મળવાથી જિલ્લાની આરોગ્ય સુવિધામાં વધારો થયો છે. મેડીકલ કોલેજ ખાતે 43 વેન્ટીલેટર હતા. જેમાં નવા 5 વેન્ટીલેટર ઉમેરાતા હવે મેડીકલ કોલેજમાં 48 વેન્ટીલેટર ઉપલબ્ધ થયા છે. જેના કારણે ઇમરજન્સી સમયમાં વધુ લોકોના જીવ બચાવી શકાશે. જેથી જિલ્લાની જનતાને ઘર આંગણે મેડિકલની સારી સુવિધાઓ આપી શકાશે. આ સાથે સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર અને જનતા વતી એસ.બી.આઇ બેંકનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે ભારતીય સ્ટેટ બેંક(એસ.બી.આઇ)ના ગુજરાત રીજયોનલ હેડ દુખબંધુ રથએ જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં ડૉક્ટરો અને નર્સો ફન્ટ લાઇન વોરીયર્સ તરીકે દર્દીઓની ખુબ સારી સેવા કરી રહ્યા છે. આ સમયમાં દેશ પર આવી પડેલી આફતમાં જનતાની મદદ કરવીએ બેંક તરીકે અમારી ફરજ છે. રાજ્યને આ મહામારી સામે લડવા એસ.બી.આઇ ગુજરાતના કર્મિઓએ રૂપિયા 11.11 લાખનુ દાન કર્યું છે.
રાજ્યની જુદી-જુદી પાંચ મેડીકલ કોલેજોને પાંચ-પાંચ વેન્ટીલેટર આપવામાં આવ્યા છે. અગાઉ બેંક દ્રારા 5 હજાર પી.પી.ઇ કીટ, 1.50 લાખ હેન્ડ ગલોવ્સ, 3.50 લાખ જેટલા ત્રિપલ લેયર માસ્ક મુખ્ય મંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યા છે.શુક્રવારે સાબરકાંઠા જિલ્લાને અપાવામાં આવેલા વેન્ટિલેટરથી કોરોના પોઝિટિવ દર્દીઓને વધુ સવલત મળશે તે નિર્વિવાદ બાબત છે.