સાબરકાંઠા: સખી મંડળની મહિલાઓની મહેનતથી માસ્ક નિર્માણ કાર્યમાં સાબરકાંઠા જિલ્લો માસ્ક નિર્માણ કાર્યમાં રાજ્યમાં ચોથો ક્રમ મેળવી કોરોના વાઈરસ સામે મહત્વનું પગલું ભર્યું છે. જેના પગલે સંખ્યા અન્ય જિલ્લાઓની સરખામણીએ કોરોના પોઝિટિવની સંખ્યા ઓછી છે.
વિશ્વમાં હાલ કોરોનાના 45 લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. કોરોનાથી બચવા માટે માસ્ક અને સેનિટાઇઝર ખૂબ જરૂરી બની ગયા છે. ત્યારે સાબરકાંઠાના સખી મંડળની બહેનોએ જિલ્લાને કોરોના મહામારીથી બચાવવા માટે માસ્કનું ઉત્પાદન કરી રોજગારીની સાથે સાથે સમાજ સેવાનું કામ પણ કરી રહ્યા છે.
2 લાખ 70 હજાર માસ્કનું ઉત્પાદન
સમગ્ર વિશ્વમાં હાલ કોરોના મહામારીને કારણે માસ્કની જરૂરિયાત વધી છે. આ માસ્કનું ઉત્પાદન કરતી કંપનીઓ અને બજારોમાં માસ્કની કિંમતોમાં નફાખોરી થવા લાગી હોવાથી જિલ્લાના સખી મંડળો દ્વારા જિલ્લા માટે માસ્કનું નિર્માણ કાર્ય આરંભ્યું હતું. જેના પરિણામ સ્વરૂપ જિલ્લામાં માસ્કની કમી ના રહે અને કાળાબજારી પણ ના થઈ શકે. આ સેવા કાર્યની સાથે આ સખી મંડળની ગરીબ મહિલાઓને રોજગારી પણ મળી રહે છે.
જિલ્લાની 266 ગ્રામ પંચાયતો અને અન્ય સંસ્થાઓના સહયોગથી અત્યાર સુધીમાં સ્વસહાય જૂથની ગરીબ મહિલાઓ દ્રારા ૨ લાખ 70 હજારથી વધુ માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ સેવાયજ્ઞમાં 85 જૂથના 263 જેટલી મહિલાઓએ દિવસ-રાત કામ કરી આ માસ્કનું નિર્માણ કર્યું હતું. આ મહિલાઓ દ્વારા બનાવાયેલા માસ્ક રાહત દરે વિતરણ કરવામાં આવ્યા હતા.
54 હજારથી વધુ માસ્કનું વિનામૂલ્યે વિતરણ
સ્વસહાય જૂથની બહેનો દ્વારા નિર્મિત માસ્ક દ્વારા પોતે રોજગારીની સાથે સાથે દેશના નાગરિક હોવાની સામાજિક જવાબદારી નિભાવે છે. 54 હજારથી વધુ માસ્કનું અતિગરીબ અને જરૂરીયાતમંદ લોકોને વિના મૂલ્યે વિતરણ કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
જો કે, માસ્કની સાથોસાથ કોરોના પોઝિટિવ દર્દીઓ મામલે અન્ય પગલાં પણ મહત્વના બની રહ્યાં છે. ત્યારે આગામી સમયમાં પણ આવા ઠોસ પગલાં ભરવાની તાતી જરૂરિયાત છે.