જુનાગઢ: વર્ષ 2036માં ઓલમ્પિક આયોજનની યજમાની સંભવત ભારતને મળી શકે છે. તેને ધ્યાનમાં લઈને ગુજરાતમાંથી મેડલ મેળવી શકે તેવા ખેલાડીઓને તૈયાર કરવાની શરૂઆત થઈ ચૂકી છે. જુનાગઢ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આજથી સીદ્દી ખેલાડીઓના ટેલેન્ટને બહાર લાવીને તેમની પસંદગીની રમતમાં વિશેષ તાલીમ આપીને વર્ષ 2036માં આયોજિત વૈશ્વિક રમતોત્સવ ઓલમ્પિકમાં સામેલ થઈ શકે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી સીદી સમાજનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ હાજર રહ્યા હતા.
કોણ છે આ સીદી સમાજ:
મૂળ આફ્રિકાનું ગોત્ર ધરાવતા સીદ્દી આદિવાસીઓ પાછલી આઠ સદીથી ભારત અને ત્યારબાદ ગુજરાતમાં સ્થાઈ નિવાસ કરી રહ્યા છે જૂનાગઢમાં નવાબીકાળના શાસન દરમિયાન સીદ્દી આદિવાસીઓને જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં મજૂરી અને જંગલમાં લોકોની રખેવાળી તેમજ વન્ય પ્રાણી નું રક્ષણ થાય તે માટે નવાબ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ સિદ્દી આદિવાસીઓ આજે જૂનાગઢના ગીર કાંઠાના ગામો અને પોતાનું અસલ વતન બનાવી પાછલી એક સદીથી વસવાટ કરી રહ્યા છે. 850 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા સિદ્દી આદિવાસીઓ જુનાગઢમાં નવાબી શાસન દરમિયાન અહીં સ્થાઈ થયા હોવાનું માનવામાં આવે છે મૂળ આફ્રિકન સંસ્કૃતિ થી ભરેલા આ સિદ્દી આદિવાસીઓ આજે ગૌરવવંતી ગુજરાતીને પોતાની સાચી માતૃભૂમિ માની રહ્યા છે.


સીદી ખેલાડીઓનો રમતોમાં દબદબો:
સમગ્ર વિશ્વમાં રમતગમત ક્ષેત્રમાં સીદ્દી ખેલાડીઓનું વર્ચસ્વ વર્ષોથી અકબંધ જોવા મળે છે. ઓલમ્પિક જેવા વૈશ્વિક રમતોત્સવમાં સીદ્દી કુળના ખેલાડીઓ આજે પણ મેદાનમાં સૌ કોઈને હંફાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને સોરઠ પંથકમાં સીદી સમાજની ખૂબ મોટી ઉપસ્થિતિ છે. સીદ્દી સમાજના પ્રત્યેક યુવાન અને યુવકો જનનીક રીતે પણ એકદમ ખડતલ શરીર રચના ધરાવે છે. જેને કારણે તેઓ રમતગમતના કોઈપણ ક્ષેત્રમાં પોતાની પ્રતિભાને યોગ્ય રીતે વિકસાવી શકે છે. તેને ખાસ ધ્યાને રાખીને ગુજરાત સરકાર રમતગમત વિભાગ દ્વારા આવા સીદ્દી ખેલાડીઓને ઓળખ કરીને તેને વિશેષ પ્રકારે અને ખાસ યોગ્યતા વાળા પ્રશિક્ષકો પાસે આકરી તાલીમ અપાવીને વર્ષ 2036 ના વૈશ્વિક રમતોત્સવ ઓલમ્પિક માટે તૈયાર કરવાનું આયોજન થઈ રહ્યું છે.

જેમાં પ્રથમ તબક્કામાં મહિલા ખેલાડીઓની પસંદગી થનાર છે. ત્યારબાદ 23 તારીખથી પુરુષ ખેલાડીઓ માટેની પસંદગી પ્રક્રિયાનો પણ એક કેમ્પ આયોજિત થનાર છે. આ બંને કેમ્પની પૂર્ણ થયા બાદ ખેલાડીઓની વિશેષ ઓળખ કરીને તેમની રુચિ અને તેમની પ્રતિબંધતા અનુસાર તેમને જે રમતમાં સૌથી વધારે રસ છે તે જગ્યા પર વિશેષ પ્રશિક્ષણ અને શિક્ષણ માટે મોકલવામાં આવશે જેનો તમામ ખર્ચ રાજ્યની સરકાર ઉઠાવવા જઈ રહી છે. તેની પાછળનું એકમાત્ર હેતુ એ છે કે ગુજરાતનું યુવાન અને ખાસ કરીને સીદ્દી સમાજ રમતગમતના ક્ષેત્રમાં આગળ વધીને રાજ્યને પદક અપાવીને સીદી સમાજની સાથે ગુજરાતનું નામ રોશન કરે તે માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે.
