ટેલીવિઝનની ખૂબ જ પ્રખ્યાત સિરિયલ એવી રામાયણમાં લંકેશનું પાત્ર ભજવી ખ્યાતિ મેળવનારા અરવિંદ ત્રિવેદી આજે જગપ્રસિદ્ધ બન્યા છે. જો કે, રામાયણ ટીવી સીરીયલમાં રાવણ તરીકેના પાત્રના અભિનય દરમિયાન ભગવાન રામ સામે બોલાયેલા શબ્દો તેમજ ભગવાન રામનું અપમાન આજે પણ લંકેશના મનને વિચલિત કરે છે. જેના પશ્ચાતાપ માટે તેઓ રોજ રામ કે નામ સાથે તેઓ પૂજા અર્ચના કરે છે.
રામ નવમી નિમિત્તે અરવિંદ ત્રિવેદી વર્ષોથી વિશેષ પૂજા વિધિ તેમજ સાંજના સમયે સુંદરકાંડ કરી ભગવાન પાસે પોતાના અભિનય દરમિયાન થયેલા અપમાનની માફી માગે છે. આજના દિવસે લંકેશ સાબરકાંઠાના ઇડરમાં આવેલા તેમના નિવાસ સ્થાને સ્થાપિત ભગવાન રામની પૂજા કરતા નજરે પડે છે.
રામાયણ સીરીયલ દરમિયાન થયેલા અનુભવોને વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, શિવ તાંડવ તેમનો સૌથી સુંદર અનુભવ છે. તેમજ આજે પણ તેમના જીવનમાં કોઈ પ્રશ્ન આવે તો તે અચૂક શિવ તાંડવ કરે છે. રામ મંદિર મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, હાલની સરકાર દ્વારા અપાયેલા રામ મંદિરના મુદ્દે તેમને વિશ્વાસ છે કે, રામ મંદિર ચોક્કસ બનશે તેમજ હાલમાં લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા સૌને ખાસ વિનંતી પણ કરી હતી.