હિંમતનગરઃ સાબરકાંઠાના ઈડર પોલીસે કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનનું પાલન કરવા અડીખમ ઉભા રહી ફરજ બજાવતા હોમગાર્ડનો જન્મદિવસ ઉજવી અન્ય પોલીસ ક્રમીઓનું મનોબળ વધાર્યું હતુ. તેમજ લોકડાઉનમાં આવો પ્રયાસ જિલ્લા સહિત રાજ્યભર માટે દિશા સૂચક બન્યો છે.
સમગ્ર વિશ્વ અને દેશ અત્યારે કોરોના વાઈરસના મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે. ત્યારે ઈડર પોલીસે કોરોના વાઈરસ વધુ ના ફેલાય તે માટે ફરજ બજાવી રહેલાં હોમગાર્ડ જવાનનો જન્મદિવસ ઉજવી મનોબળ વધાર્યું છે. તેમજ હોમગાર્ડ જવાન કમલેશ વણઝારાના જન્મદિવસની ઉજવણી ફરજની જગ્યા ઉપર સોશ્યિલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખી કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ લોકોએ જવાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
સામાન્ય રીતે લોકડાઉનના પગલે સૌથી મોટી જવાબદારી પોલીસ કર્મીઓની થઈ છે. જે અંતર્ગત લોકડાઉનને એક મહિનાથી પણ વધારેનો સમય થયો હોવાના પગલે હવે પોલીસ કર્મીઓ સ્થાનિક જનતા અને કોરોના વાઈરસ વચ્ચે દિવાલ બનીને ઊભા છે. જેના પગલે કોરોના વાઈરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. જોકે સતત કામગીરીને પગલે ઇડરમાં પોલીસ કર્મીના જન્મદિવસની ઉજવણી સમગ્ર પોલીસ પ્રશાસન તંત્ર માટે એક દિશા સૂચક બની રહી છે.
જોકે, ઇડર પોલીસ દ્વારા હોમગાર્ડ જવાનના જન્મદિવસની ઉજવણીનો લેવાયેલો નિર્ણય આગામી સમયમાં રાજ્યના અન્ય પોલીસ કર્મીઓ માટે પણ નવી દિશા બની રહી છે. ત્યારે આગામી સમયમાં પોલીસ કર્મીઓનું મનોબળ વધારવા માટે વહીવટી તંત્ર કેવા અને કેટલા પ્રયાસો કરે છે તે પણ મહત્વનું બની રહે છે.